અમદાવાદઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો માટે રૂ. 702 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ રકમ સ્વર્ણિમ જ્યંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે.
મુખ્ય પ્રધાન રૂપાણીએ અમદાવાદમાં રોડ રિસર્ફેસિંગ તથા માઇક્રો સરફેસિંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં કામો, પાણી-પુરવઠાના કામો તથા ફાયર સાધનો, તળાવના વિકાસનાં કામો વગેરે માટે રૂ. 354.80 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત તેમણે બિલ્ડિંગ, શાળા, બોર્ડ ઓફિસ, મલ્ટીલેવલ પાર્કિંગ જેવાં સામાજિક આંતરમાળખાકીય વિકાસનાં છ કામો માટે રૂ. 85 કરોડની ફાળવણી કરી છે તેમણે શહેરના રસ્તા, પાણી અને ગટર માટે ચાલતાં વિકાસ કામો માટે રૂ. 163 કરોડની ફાળવણી કરી હતી. આને લીધે AMCનાં વિકાસ કામોમાં વધુ ગતિ આવશે.
આ ઉપરાંત તેમણે અમદાવાદ મહાનગરપાલિકામાં બે રેલવે ઓવરબ્રિજ અને એક રેલવે અન્ડરબ્રિજનાં કામો માટે રૂ. ૮ કરોડ ફાળવ્યા છે. શહેરી સડક યોજના અંતર્ગતના રસ્તાના કુલ ૪૧ કામો માટે રૂ. ૯૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સમગ્રતયા તેમણે અમદાવાદ મહાનગરપાલિકાના બહુવિધ વિકાસ કામો માટે રૂ. ૭૦ર કરોડની માતબર રકમની ફાળવણી કરી છે.