અમદાવાદઃ બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કોલર લગાવેલા નર સિંહે દેખાં દેવાની સાથે, ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટિક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું, તેમ ગીરના સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.
તેમણે માહિતી આપી હતી કે લગભગ સાડાત્રણ વર્ષની ઉંમરનો નર સિંહ જાન્યુઆરી 18, 2023એ બરડા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ નર સિંહને પ્રથમ વખત ઓક્ટોબર 3, 2022એ પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો. દરિયાકાંઠાનાં જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ઓક્ટોબર 29, 2022એ તેના પર રેડિયો કોલર લગાવવામાં આવ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.
‘પ્રોજેક્ટ લાયનઃ લાયન@47 વિઝન ફોર અમૃતકાળ’ દસ્તાવેજ અનુસાર વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્યની એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવી છે, જ્યાં 40 વયસ્ક અને સબ-વયસ્ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા-આલેચ ટેકરીઓ અને દરિયાકાંઠાનાં જંગલોમાં રહી શકે.
“વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગીરના સિંહોના મહત્વને જાણ્યું હતું અને આ કીમતી વન્યજીવની સમૃદ્ધિ માટેનો રોડમેપ તૈયાર કર્યો હતો. સિંહ અને વન્યજીવ પ્રેમી તરીકે હું ખૂબ જ ખુશ છું કે એશિયાટિક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે અને તેમાંથી એક પોતાની મેળે જ કુદરતી રીતે બરડા વન્યજીવ અભયારણ્યમાં પહોંચ્યો. મને આશા છે કે ગુજરાતના વન વિભાગ અને સ્થાનિક સમુદાયોની સંયુક્ત દેખરેખ હેઠળ થયેલા સિંહના કુદરતી અને આપમેળે જ થયેલાં સ્થળાંતરને પ્રોજેક્ટ લાયન હેઠળ ભારત સરકાર અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા વધારે પ્રોત્સાહન આપવામાં અને મજબૂત બનાવવામાં આવશે, એમ સાંસદ (રાજ્યસભા) અને ડિરેક્ટર- કોર્પોરેટ અફેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.
“આપણા સિહોની ભલાઈ માટે એટલા જ આતુર અને ચિંતાતુર રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ફોરેસ્ટર અને વન્યજીવ પ્રેમીઓ માટે મોટિવેશન અને પ્રોત્સાહનના સ્ત્રોત છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે બરડા વન્યજીવ અભયારણ્યને એશિયાટિક સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવા માટે અમારા તરફથી જે પણ મદદની જરૂરી હોય એ પૂરી પાડવા માટે હું તૈયાર છું.