દોહા- એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં મહિલાઓની 800 મીટર દોડમાં ગોમતી મરિમુતુ અને પુરુષોની ગોળા ફેંક સ્પર્ધામાં તેજીન્દરપાલ સિંઘે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યાં છે. એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપના બીજા દિવસે ભારતના કુલ 5 મેડલ મળ્યાં હતાં. જેમાં 3 બ્રોન્ઝ અને 2 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.
ડાંગ એકસપ્રેસના નામે જાણીતી ગુજરાતની સરિતા ગાયકવાડે 400 મીટરની વિઘ્ન દોડમાં શાનદાર દેખાવ કરીને કાંસ્ય ચંદ્રક (બ્રોન્ઝ મેડલ) જીત્યો છે. જો કે, સરિતા વિશ્વ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ નહોતી થઈ શકી અને તેમને રનઅપમાં જરૂરી ટાઈમમાં માત્ર 56.00 સેકન્ડ માટે ચૂકી ગઈ હતી.
ભારતના ભાલા ફેંકમાં શિવપાલે રજત ચંદ્રક જીત્યો છે. તેણે 86.23 મીટર દૂર ભાલો ફેંકયો હતો. જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.પુરુષોની 400 મીટરની વિઘ્ન દોડમાં ભારતના એમ.પી જાબરી ત્રીજા સ્થાને રહીને કાંસ્ય ચંદ્રકનો હક્કદાર બન્યો હતો. પુરુષોની 400 મીટરની દોડના વર્તમાન વિજેતા મોહમ્મદ અનસ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો.
એશિયન ચેમ્પિનશીપમાં ભારતના ચંદ્રકની કુલ સંખ્યા 10 પર પહોંચી ચૂકી છે. જેમાં બે સુવર્ણ, ત્રણ રજત અને પ કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે.