અમદાવાદમાં ફરી તથ્ય કાંડ!, 6 વાહનો અને 2 રાહદારીઓને અડફેટે લીધા

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદીન રફતારનો કહેર વધી રહ્યો છે. શહેરના મેમનગર વિસ્તારમાં વધુ એક તથ્ય કાંડ થતા રહી ગયો છે. એક યુવકે પોતાની કાર બેફામ સ્પીડે હંકારી 6 થી 7 વાહનોને ટક્કર મારતા ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત સર્જનાર કારચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે વહેલી સવારે 7.45 વાગ્યાની આસપાસ શહેરના મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ સર્કલથી આગળના તરફ જવાના રોડ ઉપર એક કારચાલક બેફામ સ્પીડે પોતાની કાર ચલાવી અને આવ્યો હતો બે થી વધુ એક્ટિવા બાઈક અને ત્રણ ગાડીઓને ટક્કર મારી હતી. બે વૃદ્ધ અને બાળકો સહિત કુલ ચાર લોકોને પણ અડફેટે લીધાં હતાં જેના કારણે તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી. વહેલી સવારે ચાલવા જતા અને બાળકોને સ્કૂલે જનારા લોકોનાં ટોળા ભેગાં થઈ ગયાં હતાં. 100 મીટરના રોડ ઉપર વાહનોને અને રાહદારીઓને અડફેટે લઈને અકસ્માત સર્જાતા ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માત સર્જનાર કારચાલકને લોકોએ ઝડપી લીધો હતો. અનેક લોકોના આક્ષેપ મુજબ કારચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. રોડ ઉપર બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા જેથી તાત્કાલિક ધોરણે લોકોએ તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બી ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કારચાલકને પકડ્યો હતો. અકસ્માત સર્જનાર કારચાલકનું નામ ચિંતન મુકેશભાઈ પરીખ હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા હાલ કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.