રાજકોટમાં ફરી આગનો તાંડવ, પરમિશન વગર ધમધમતી સાબુની ફેક્ટરી બળીને ખાખ

રાજકોટમાં TRP અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળવાની રાહ જોવાઈ રહી છે, ત્યાં શહેરમાં ફરી એક ભયંકર આગની ઘટના સામે આવી છે. સોમવારે કુવાવડા રોડ પર નવાગામ (આણંદપર)ના રાજારામ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલીયાપરા વિસ્તારમાં આવેલી જે. કે. કોટેજ નામની સાબુ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં મોટો ખુલાસો થયો છે કે, આ ફેક્ટરી વર્ષોથી RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) અને GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ની મંજૂરી વિના ચાલી રહી હતી.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, જે.કે.કોટેજ ફેક્ટરી લાંબા સમયથી કોઈપણ કાયદેસર મંજૂરી વિના કામ કરી રહી હતી. ફેક્ટરી પાસે ન તો RUDAની પરવાનગી હતી, ન તો GPCBની મંજૂરી હતી, અને ન જ ફાયર NOC હતું. આમ છતાં, તંત્રની ઘોર બેદરકારીને કારણે આ ફેક્ટરી નિરંતર ચાલતી રહી. TRP અગ્નિકાંડના પીડિતોને હજુ ન્યાય નથી મળ્યો, ત્યાં આ ઘટનાએ તંત્રની નિષ્ક્રિયતા પર ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. આ અંગે ફેક્ટરી માલિકે જણાવ્યું કે, “જ્યારે અમે બિલ્ડિંગ બનાવ્યું ત્યારે GPCB કે RUDAની મંજૂરી લેવાની જરૂર છે કે નહીં તેની અમને જાણ નહતી. તંત્રે અમને ક્યારેય કોઈ નોટિસ આપી નથી.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તંત્રની નજર નીચે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી રહી.

ઘટના બાદ કુવાવડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વીડિયોગ્રાફી દ્વારા પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે ફેક્ટરી માલિકની બેદરકારી અંગે પણ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે કે, તંત્ર ક્યાં સુધી મોટી દુર્ઘટનાની રાહ જોતું રહેશે? ડીસામાં પણ આવી જ ગેરકાયદે ફેક્ટરીના કારણે 21 લોકોના જીવ ગયા હતા, અને અનેક પરિવારો ઉજડી ગયા હતા. ત્યારે આવી ઘટનાઓનું પુનરાવર્તન ક્યાં સુધી ચાલશે? આ ઘટના ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને ઉજાગર કરે છે. TRP અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તે પહેલાં જ નવાગામની આ ઘટનાએ સુરક્ષા નિયમોના અમલ પર સવાલો ઉભા કર્યા છે. જો તંત્ર સમયસર જાગે નહીં, તો આવી દુર્ઘટનાઓનો સિલસિલો ચાલુ રહેશે.