લેટરકાંડ લઈ અમરેલી બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ

અમરેલીમાં બનાવટી લેટરકાંડમાં પાટીદાર યુવતી પર અત્યાચારના મુદે 24 કલાકના ઉપવાસ કરનાર પરેશ ધાનાણીએ શુક્રવારે ઉપવાસ આંદોલન વધુ 24 કલાક લંબાવ્યું હતું, જે આજે(11 જાન્યુઆરી) 10 વાગ્યે પૂર્ણ થયું છે. કોંગ્રેસનેતા પરેશ ધાનાણીએ આપેલા અમરેલી બંધના એલાનને વહેલી સવારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, જેને લઇને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આગામી 22મી તારીખ સુધી અમરેલીમાં 144મી કલમ લાગુ કરવામાં આવી છે.

જે વિસ્તારમાં ધાનાણીએ ધરણાં કર્યાં હતા એ વિસ્તારમાં મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી. જોકે બાદમાં દુકાનો ખુલી ગઇ હતી. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં તમામ દુકાનો ખુલી જોવા મળી હતી. શહેરમાં કોઇ અનિચ્છીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે. 48 કલાકના ધરણા પૂર્ણ કર્યા બાદ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમરેલી શહેરમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે નારીસુરક્ષાને સમર્થન આપ્યું તે બદલ આભાર. આ લડાઈ રક્ષકો સામે નથી પણ કાયદાના જાણકાર લોકો ઈરાદા પૂર્વક જે કાંઇ કરી રહ્યા છે એમની સામે છે. આજે પાયલ ગોટી રાજ્યના પોલીસ વડાને મળી પોતાની આપવીતીની રજૂઆત કરશે. તંત્ર યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી નારી શક્તિ આંદોલન સમિતિ આંદોલન કરશે. આવતા સોમવારે અમે સુરતમાં ધરણા પ્રદર્શન કરીશું. હું મુખ્યમંત્રીને અપીલ કરૂ છું કે જલ્દીથી જવાબદારો સામે કડક પગલાં ભરો. પરેશ ધાનાણીએ એવી માગ ઉઠાવી હતી કે અમરેલી જિલ્લા પોલીસવડા ઉપરાંત રાજકીય નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અને મેસેજની વિગતો બહાર આવવી જોઇએ અને તેમની કોલ ડિટેઇલની તપાસ થવી જોઇએ. આ ઉપરાંત પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, શહેરમા નારી સ્વાભિમાન મંચની રચના કરવામા આવશે અને દરેક તાલુકા મથકો પર ન્યાય માટે આંદોલન કરવામાં આવશે. તેમણે ગુજરાતના સાધુ-સંતો, સમાજના શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓને પણ લડતનું સમર્થન કરવા અપીલ કરી હતી. આ મુદે આજે બપોર સુધી અડધો દિવસનો બંધ પાળવા વેપારીઓને અપીલ કરી હતી.