અમદાવાદઃ અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીને સીબીઆઈ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવી છે. કોર્ટે કુલ 60 લાખ 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. અને સાથે જ ફરી ગયેલાં સાક્ષીઓ સામે કાર્યવાહી કરવાનો પણ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આજે સવારે 10.30 વાગ્યાના સુમારે તમામ દોષિતોને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સિટી સિવિલ એન્જ સેશન્સ કોર્ટમાં આજે આ હત્યા કેસનો ચુકાદો આવ્યો હતો. કોર્ટે તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી.
કોર્ટે 6 જૂલાઇએ સંભળાવેલા ચૂકાદામાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ અને સાંસદ દિનુ બોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે. અમિત જેઠવા કેસની સુનાવણીમાં પહેલા 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતાં. સીબીઆઇ કેસની તપાસ હાથ ધરી પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 સામે ચાર્જશીટ કરવામાં આવી હતી.
પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને તમામ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં કોર્ટે તમામ દોષિતોને 50 લાખનો દંડ તમામ વચ્ચે કર્યો હતો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં દિનુ સોલંકી અને શિવા સોલંકીને 15 લાખ રૂપિયા, ઉદાજી ઠાકોરને 25,000 રુપિયા, બહાદુરસિંહ વાઢેરને 10 લાખ રુપિયા અને,સંજય ચૌહાણને 1 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો જેઠવાના પરિવારને 11 લાખ રૂપિયાની સહાય જાહેર કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે.
મહત્વનું છે કે જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુબોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.