અમદાવાદામાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારોમાં દબાણો વધવાની ફરિયાદો થઈ રહી હતી અને દિવાળી આવતા પહેલા જ AMC એક્શન મોડમાં આવ્યું છે અને શહેરમાં તમામ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ દબાણો અંગે AMCમાં ટકોર કરી હતી. અમદાવાદમાં દબાણ હટાવવાને લઈને AMCએ કાર્યવાહી શરૂ કરી છે. શહેરના ભદ્ર પ્લાઝા, બાદશાહના હજીરા નજીકના વિસ્તારોમાં AMCએ સપાટો બોલાવ્યો છે, તમામ ગેરકાયદેસર પાથરણાના દબાણો દૂર કરાવ્યા છે.
ભદ્ર પ્લાઝા ખાતે દબાણના કારણે શહેર ભાજપ અધ્યક્ષ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ લાલઘૂમ થયા હતા. નવરાત્રિના પર્વમાં લોકો નગરદેવી ભદ્રકાળી માંના દર્શને વાહન સાથે જઈ શકે તેવી વ્યવસ્થા કરવા માટે ટકોર કરી હતી. કારણ કે ભદ્રકાળી માતાના દર્શન માટે જતા લોકોને ભારે હાલાકી પડી રહી હતી. ધારાસભ્યએ કહ્યું હતું કે ગેરકાયદે મોટા પ્રમાણમાં ફેરિયાઓ દબાણ કરે છે. AMC અને પોલીસની મીઠી નજર હેઠળ આ દબાણ છે. દબાણના કારણે લોકો ચાલીને પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. ત્યારે અમિત શાહની ટકોર બાદ દબાણ હટાવવામાં આવ્યા છે. ત્યારે બીજા બાજુ વિરમગામ શહેરમાં નગરપાલિકા તંત્રનું સતત બે દિવસ મેગા ડિમોલીશન ચાલ્યું છે. જેમાં વિરમગામ શહેરની ત્રણ જગ્યાએ મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરના લાકડી બજાર વિસ્તારમાં રહેણાંક મકાનના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 5થી વધુ JCB નગરપાલિકા કર્મચારીઓ સહિત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તાને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.