AMCની નવી પહેલ, ‘અમદાવાદ કેમ’ થકી સામાન્ય લોકો જોડાશે સ્વચ્છતા અભિયાનમાં

અમદાવાદ: શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કોર્પોરેશને નવી પહેલ શરૂ કરી છે. હવે જો કોઈ રસ્તા પર ગંદકી કરે કે થૂંકે, તો તેનો ફોટો પાડી ‘Ahmedabad CAM’ એપ્લિકેશન પર અપલોડ કરી શકાય. AMC એપ્રિલ મહિનામાં આ એપ લોન્ચ કરશે, જેનાથી નાગરિકો પણ સ્વચ્છતા અભિયાનમાં ભાગીદાર બની શકશે.

ગંદકી અને થૂંકનારા સામે થશે કડક કાર્યવાહી

અમદાવાદના રસ્તાઓ પર ગંદકી કરનારા અને જાહેરમાં થૂંકનારાને હવે સાવધાન થવાનો સમય આવી ગયો છે. નવા નિયમ મુજબ, કોઈ પણ નાગરિક ‘Ahmedabad CAM’ એપ્લિકેશનમાં ફોટો અપલોડ કરીને ફરિયાદ નોંધાવી શકશે. જે પછી AMC જે તે વ્યક્તિને દંડ ફટકારશે. આ એપમાં આડેધડ પાર્કિંગ અને રોંગ સાઇડ આવતાં વાહનોના ફોટા પણ મોકલી શકાય, જેના આધારે નોટિસ મોકલી દંડ વસૂલાશે.

સ્વચ્છતા પ્રોત્સાહન માટે ગિફ્ટ વાઉચર પણ મળશે

કોર્પોરેશન શહેરીજનોમાં સ્વચ્છતાની જાગૃતતા વધારવા માટે વિવિધ પ્રયાસ કરી રહ્યું છે. જાહેરમાં ગંદકી કરનારા દુકાનદારો, હોટલ અને રેસ્ટોરંટ પર પણ દંડની કાર્યવાહી કરાશે. જન સહભાગીતા વધે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને, જે લોકો ગંદકી કરનારા લોકોના ફોટા અપલોડ કરશે, તેમને AMC દ્વારા ગિફ્ટ વાઉચર આપવાની પણ યોજના છે.