અમદાવાદ: ગુજરાત ભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ડ્રાઈવ ચાલી રહી છે. આ અગાઉ દ્વારકા, જામનગર, સુરેન્દ્ર નગર સહિતના મોટા જિલ્લામાં સરકારી જમીન પર ગેરકાયદે કરેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે હવે અમદાવાના નરોડા વિસ્તારમાં પણ ગેરકાયદેસરના દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય તારીખ 10મી ફ્રેબ્રુઆરીના રોડ AMCની ટીમ દ્વારા અને પોલીસના કડક બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નોબલનગર વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષની 25થી 30 દુકાનો પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે AMC દ્વારા વેપારીઓને દુકાનમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય આપવામાં આવ્યો ન હતો. નરોડા વિસ્તારના નોબલનગર વિસ્તારમાં કોમ્પલેક્ષની 25થી 30 દુકાનોના માલિકો AMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેને લઈને દુકાનદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ અરજીનો જવાબ આવે તે પહેલા જ એએમસીની ટીમે પોલીસની હાજરીમાં દુકાનો તોડી પાડી હતી. દુકાનમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહતો, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
