અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા તેના પ્લેટિનમ જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે વર્ષ 2026-2027 માટેની એક્ઝિક્યુટિવ કમિટીની પ્રથમ બેઠક 2 નવેમ્બર 2026ના રોજ યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન સંસ્થાની સ્ટ્રેટેજિક થિંક ટેન્ક દ્વારા પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી માટેનું ભવિષ્યલક્ષી વિઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ રાજીવ ગાંધીએ કાઉન્સિલને સંબોધતા આ વર્ષના મુખ્ય ઉદ્દેશ્યો સ્પષ્ટ કર્યા હતા. તેમણે પ્લેટિનમ જ્યુબિલી વર્ષ માટે મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા 3 મુખ્ય શૈક્ષણિક ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત એએમએના ઉપપ્રમુખ મોહલ સારાભાઈએ સંસ્થાની મૂળભૂત શૈક્ષણિક ક્ષમતાઓને વધુ સઘન બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે વર્તમાન સમયમાં સમાજ અને વ્યાવસાયિક જગતની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસ્થાના વિવિધ અભ્યાસક્રમોને વધુ ઉપયોગી બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. એએમએની આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કુલ 58 સભ્યોની બનેલી છે, જેમાં 18 પૂર્વ પ્રમુખો, 11 ચૂંટાયેલા સભ્યો, 1 કો-ઓપ્ટેડ સભ્ય અને 28 આમંત્રિત સભ્યોનો સમાવેશ થાય છે. સંસ્થાના સંચાલન માટે દર મહિનાના પ્રથમ સોમવારે કમિટીની બેઠક યોજાય છે, જ્યારે સંસ્થાનો દૈનિક વહીવટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેષ દીક્ષિત અને તેમની ટીમ દ્વારા સંભાળવામાં આવે છે.
એએમએનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે, જેની સ્થાપના ભારતીય અવકાશ કાર્યક્રમના પ્રણેતા ડૉ. વિક્રમ સારાભાઈ દ્વારા વર્ષ 1956માં કરવામાં આવી હતી અને તેઓ તેના પ્રથમ સ્થાપક પ્રમુખ હતા. સંસ્થા છેલ્લા 70 વર્ષથી જ્ઞાન અને અનુભવ થકી મેનેજમેન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહી છે. ઉદ્યોગોમાં આવતા બદલાવો અનુસાર પ્રોફેશનલ્સને ભવિષ્યના કૌશલ્યોથી સજ્જ કરવા એએમએ સતત કાર્યરત છે. વધુ માહિતી માટે સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પરથી વિગતો મેળવી શકાય છે. આ બેઠકમાં તમામ અગ્રણી કમિટી સભ્યો જેવા કે ઉન્મેષ દીક્ષિત, પ્રશાંત ગાંધી, એસ.બી. ડાંગાયચ, પ્રો. પ્રદ્યુમ્ન વ્યાસ, અમોલી શાહ, અંકુર પટેલ, રીના ભગવતી, વિશ્વેશ પટેલ, પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસ, અલ્પેશ પરીખ, સંદીપ એન્જિનિયર, ડૉ. જૈમિન વાસા, દિવ્યેશ રાડિયા, યતીન્દ્ર આર. શર્મા, રાજીવ ગાંધી, મોહલ સારાભાઈ, રોહિત પટેલ, ડૉ. સાવન ગોડિયાવાલા, ડૉ. શૈલેષ ગોયલ, આદિત્ય શર્મા, કાર્તિકેય વી. સારાભાઈ, પદ્મિન બુચ, અંબર પટેલ, ડૉ. સુનીલ પારેખ, અજય તોમર, ઋતુજા આર. પટેલ, થૉમસન જોસ અને ડૉ. જૈનિલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.




