70,000થી વધુ વૃક્ષો થકી પર્યાવરણ જાળવવાનું લક્ષ્ય

ઓખામંડળઃ તાતા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટે (TCSRDએ) એક અનોખી વૃક્ષારોપણની ઝુંબેશ માય ગ્રીનિંગ અવર હાથ ધરી હતી, જે અંતર્ગત એક કલાકમાં દેશમાં 100થી વધુ સ્થળોએ 70,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. આ રાષ્ટ્રવ્યાપી પ્રવૃત્તિ આપણા અસ્તિત્વ માટે વૃક્ષોના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા, સ્થાનિક સમુદાયોને સર્વસમાવેશક રીતે સેવા આપવા અને છેવટે કાર્બન શોષણ ક્ષમતા વધારવાના ઉદ્દેશ સાથે હાથ ધરવામાં આવી હતી. એકલા ઓખામંડળમાં જ 5000 લોકો 40,000થી વધુ વૃક્ષો વાવવા માટે ભેગા થયા હતા.

આ પ્રવૃત્તિ 12 જુલાઈએ હાથ ધરવામાં આવી હતી. તાતા કેમિકલ્સ લિમિટેડ અને રેલિસ ઇન્ડિયા લિમિટેડના 10,000થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પહેલ વિશે વાત કરતાં કંપનીના મીઠાપુરના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર અને લોકેશન હેડ એન. કામથે જણાવ્યું હતું કે ‘માય ગ્રીનિંગ અવર’ ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો અનોખો પ્રયાસ છે. પર્યાવરણીય સંતુલન સુનિશ્ચિત કરવામાં વૃક્ષો મુખ્ય છે. આ પહેલ સાથે અમારું લક્ષ્ય પર્યાવરણને પુનઃસ્થાપિત કરવું અને પર્યાવરણીય જાળવણીના મહત્વ વિશે સ્થાનિક સમુદાયોમાં જાગૃતિ લાવવાની છે. તમામ હિતધારકો તરફથી મળેલા અભૂતપૂર્વ સમર્થને આ પહેલને સફળ બનાવી છે.

‘માય ગ્રીનિંગ અવર’ પહેલ વિશે વિગતો રજૂ કરતાં કંપનીના ચીફ- હેલ્થ, સેફ્ટી, એન્વાયર્નમેન્ટ એન્ડ CSR- આલોક ચંદ્રાએ જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે આબોહવા પરિવર્તનને ઘટાડવા, જૈવવિવિધતા વધારવા, હવાની ગુણવત્તા સુધારવા અને આર્થિક તથા સામાજિક લાભો માટે વૃક્ષો આવશ્યક છે. આપણે કુદરતના સંરક્ષણ તરફ ઝડપથી કાર્ય કરવાના અને આપણા લીલા આવરણને વિસ્તારવાના મહત્વને સમજવું અને સ્વીકારવું જોઈએ.