ગાંધીનગર- રાજ્યના નાગરિકોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્ય સરકારે સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી સારવાર માટે નવી હોસ્પિટલોને મંજૂરી આપી છે. જેનો લાભ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લાખો દર્દીઓને પ્રાપ્ત થશે. GMERS મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ સોલા, અમદાવાદ ખાતે રૂ.૨૪૨ કરોડના ખર્ચે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે. તેમજ સુરત ખાતે રૂ. ૩૫૨ કરોડના ખર્ચે ૫૬૦ પથારીવાળી નવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે જેના માટે રૂ.૧૨૦ કરોડની સહાય ભારત સરકાર દ્વારા મંજૂર કરાઇ છે.
મળશે આ સુવિધા
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નિર્માણ થનાર આ નવીન સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ૬૧૦૦૦ ચો.મી વિસ્તારમાં ૧૦ માળથી વધુ ઉંચાઇ ધરાવતી હોસ્પિટલ બનશે જેમાં, બેઝમેંટ પાર્કીંગ, છ ઓપરેશન થીએટર અને બે કેથલેબની સુવિધા સાથે વધારાની સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે ૫૫૦ પથારીની વ્યવસ્થા દર્દીઓ માટે કરવામાં આવશે. આ નવીન સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, ગેસ્ટ્રોલોજી, એન્ડોક્રીનોલોજી, કાર્ડીયો વાસ્ક્યુલર સર્જરી, પીડીઆટ્રીક, પ્લાસ્ટીક સર્જરી, યુરોલીજી તથા ગેસ્ટ્રોલોજીને લગતી સુપર સ્પેશીયાલીટીની સેવાઓ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત નર્સિંગ ક્વાટર્સ, પી.જી હોસ્ટેલનું બાંધકામ કરવાનું પણ આયોજન છે.
ઉલ્લેખનીય છે કે, સોલા ખાતેની જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજની સ્થાપના વર્ષ ૨૦૧૦માં ૧૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે શરૂ કરવામાં આવી હતી જેમાં હાલમાં સરેરાશ દૈનિક ૧૪૦૦ દર્દીઓને ઓ.પી.ડી. સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલ ખાતે ૭૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં હોસ્પિટલ બિલ્ડીંગ, મેડીકલ કોલેજ, ટ્રૌમા સેન્ટર, ઓ.પી.ડી. બ્લોક, ૧૦૮૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની ક્ષમતાવાળી બોયઝ તેમજ ગર્લ્સ હોસ્ટેલ અને ૧૨૦ પી.જી.ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, સ્ટાફ ક્વાટર્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
દક્ષિણ ગુજરાતના દર્દીઓને પણ હ્રદય, કિડની, કેન્સર જેવા ગંભીર રોગોમાં પણ ત્વરીત સારવાર ઉપલબ્ધ થાય તે માટે સુરત ખાતે સિવિલ હોસ્પિટલમાં વિસ્તૃતીકરણ કરાશે. આ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે રૂ.૧૨૦ કરોડની કેન્દ્રીય સહાય પણ મંજૂર કરી છે. સુરત ખાતે રૂ.૩૫૨ કરોડના ખર્ચે ૫૬૦ પથારીવાળી નવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે આ માટે વધારાનું ફંડ રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી ફાળવશે. આ હોસ્પિટલમાં કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, ગેસ્ટ્રોલોજી, એન્ડોક્રીનોલોજી, કાર્ડીયો વાસ્ક્યુલર સર્જરી, પીડીઆટ્રીક, પ્લાસ્ટીક સર્જરી, યુરોલીજી તથા ગેસ્ટ્રોલોજીને લગતી સુપર સ્પેશીયાલીટીની સેવાઓ પુરી પાડવામાં આવશે જેનો લાભ દક્ષિણ ગુજરાતના લાખો દર્દીઓને મળશે.
સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે વધુ સુવિધા ઉપલબ્ધ થતાં અમદાવાદ અને ઉત્તર ગુજરાતના દર્દીઓને, તેમજ સુરત ખાતે નવી હોસ્પિટલ બનતાં દક્ષિણ ગુજરાતના દર્દીઓને વૈશ્વિક સ્તરની આરોગ્ય સવલતો ઘરઆંગણે જ મળી રહેશે. આ તમામ કામો આગામી બે થી ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે.