અમદાવાદ– શહેરની શાન સમો સાબરમતી રિવરફ્રન્ટ હાલ પાણીવિહોણો જોવા મળી રહ્યો છે. એકતરફ ચોમાસાની પૂર્વ તૈયારીરુપે વાસણા બેરેજના દરવાજાનું સમારકામ પણ ચાલી રહ્યું છે. બીજીતરફ વાયા નર્મદાના નીરથી હરીભરી સાબરમતીના તળ પર નકરી ગંદકી પણ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે ખુલ્લાં પડેલા પટ માટે વિચારવાનો નગરજનો અને વહીવટીતંત્રને સમય મળ્યો છે. સમગ્ર રાજ્યમાં જળાશયોમાં પાણી ખૂટી પડ્યાં છે. ગત ચોમાસાનો અપૂરતો વરસાદ, અસહ્ય ગરમીએ માણસ અને અન્ય જીવોને પાણી માટે વલખાં મારતાં કરી દીધા છે. પાણી ભરેલાં હોય ત્યારે અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી, રિવરફ્રન્ટ બન્યા બાદ સુંદર લાગે છે. કારણ, વરસાદી પાણીની સાથે નર્મદાના નીર આ નદીને જીવંત કરી નાંખે છે. હાલના તબક્કે ઉનાળાની ઋતુમાં પાણી વિહોણો સાબરમતીનો પટ ગંદકીના ખાબોચીયાથી ભરેલો હોય એવું દેખાય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન આ સૂકી સાબરમતીના પટને સ્વચ્છ કરવા તબક્કાવાર સફાઇ ઝૂંબેશ દ્વારા સ્વચ્છ કરવા જઇ રહ્યું છે. શહેર મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સાબરમતીને ગટરના પાણી અને અન્ય ઘન કચરાથી મુક્ત કરવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ ઝૂંબેશમાં 10,000 જેટલા નાગરિકો પણ જોડાશે.સાબરમતી નદીમાં સ્વચ્છતા માટે સર્વેક્ષણ હાથ ધરી એક મેપ તૈયાર કરાયો છે. જેને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પહેલાં તબક્કામાં નદીનું ગંદુ પાણી બહાર કાઢવામાં આવશે. બીજા તબક્કામાં ગટરોનું ગંદુ પાણી નદીમાં આવતું બંધ કરાશે. ત્રીજા તબક્કામાં તમામ પ્રકારનો કચરો બહાર કાઢવામા આવશે. આ ચાર તબક્કામાં ચાર મહિને નદી સાફ કરી, નદીમાં નવા નીર ભરી દેવામાં આવશે. જેથી અમદાવાદ શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર કરેલ રિવરફ્રન્ટ, બગીચા તેમ જ અન્ય યોજનાઓ દીપી ઉઠે.
તસવીર- અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ