કોંગ્રેસની ધરતી ધ્રૂજીઃ પરેશ ધાનાણી અને અમિત ચાવડાના રાજીનામાં પડ્યાં?

અમદાવાદ-દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું ન આપે તે માટે મનામણાં અને આશ્વાસનો ચાલી રહ્યાં છે ત્યાં દેશભરમાં પ્રદેશકક્ષાએ કોંગ્રેસી હોદ્દેદારો રાજીનામાં પાઠવી રહ્યાં છે. તેમાં ગુજરાત કોંગ્રેસ નેતાગીરી પણ જોડાઈ છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાપદેથી પરેશ ધાનાણીએ મૌખિક રીતે રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી દિલ્હી હાઈકમાન્ડને વાત પહોંચાડી છે. તો ધાનાણીના રાજીનામાંની વાત વહેતી થયાંના કલાક બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાનો પ્રસ્તાવ કર્યો છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સમક્ષ પરેશ ધાનાણીએ લોકસભાની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે, અને તેમને વિપક્ષના પદ પરથી મુક્ત કરવા કહ્યું છે, અને કોઈ નવા ચહેરાને સ્થાન આપવા વિનંતી કરી છે. જોવાનું રહે છે કે હાઈકમાન્ડ તેમના નિર્ણય પર શો નિર્ણય આપે છે.
અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાપદે પરેશ ધાનાણી છે, તેઓને પાર્ટીએ અમરેલી લોકસભાની બેઠક પર ટિકીટ આપી હતી. તે બેઠક પરથી પરેશ ધાનાણી હારી ગયા હતાં, તેમ જ ગુજરાતમાં કુલ 26માંથી 26 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આથી હારની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સમક્ષ વિપક્ષના નેતાપદને છોડવાનું કહ્યું છે. જો કે હજી સુધી ઔપચારિક રાજીનામું આપ્યું નથી. પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ માત્ર ઈચ્છા વ્યક્ત કરી છે, તેવી વાત પણ ચર્ચાઈ રહી છે અને કેટલાકના મતે તેમણે દિલ્હી હાઈકમાન્ડને રાજીનામું આપી દીધું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]