અમદાવાદ: ક્રિસમસની શરૂઆત થાય ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી જાય છે અને બુટલેગરો બેફામ બની જાય છે. એક તરફ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ તમામ પોલીસને બુટલેગરો પર લગામ લગાવવા માટે અને રોજેરોજ દારૂની ડ્રાઇવ આયોજન કરવા માટેના આદેશ આપી દીધા છે. તો થર્ટી ફર્સ્ટને લઈને અમદાવાદ પોલીસે પણ ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો છે.
31 ડિસેમ્બરની રાતે અમદાવાદમાં 15 પાર્ટી પ્લોટ, 12 હોટેલ – રેસ્ટોરાં અને 4 ક્લબ મળીને કુલ 31 જગ્યાએ ડાન્સપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય મોટા ભાગના લોકો સીજી રોડ, એસજી હાઈવે, વસ્ત્રાપુર તળાવ, સિંધુ ભવન રોડ તેમજ કાંકરિયા જાય છે. આ તમામ જગ્યાઓને ધ્યાનમાં રાખીને 10 હજાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેડતી રોકવા તેમજ રોડ રોમિયોને પકડવા મહિલા પોલીસની 52 ‘શી’ ટીમ તેમજ મહિલા ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમો મળીને મહિલા પોલીસની 60 ટીમો તહેનાત રહેશે. દારુ પીધેલાઓને પકડવા ટ્રાફિક પોલીસના જવાનો 300 બ્રેથ એનેલાઈઝર સાથે તૈનાત રહેશે.
મંગળવારે CG રોડ સાંજે 6થી વાહનો માટે બંધ
સીજી રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી 31મીએ સાંજે 6 વાગ્યાથી સીજી રોડ તમામ વાહનો માટે બંધ કરવામાં આવશે. જ્યારે એસજી હાઈવે ઉપર રાતે 8 વાગ્યાથી ભારેથી અતિભારે વાહનો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વૈકલ્પિક રૂટ તરીકે ભારે વાહનો એસપી રિંગ રોડ પરથી જઈ શકશે. લોકોના ધસારાને ધ્યાનમાં રાખી કાંકરિયા ફરતે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
કંટ્રોલ રૂમના ડીસીપી વિજય પટેલે જણાવ્યું કે અમદાવાદના રસ્તા પર લાગેલા 1006 સીસીટીવીનું પોલીસ કમિશનર કચેરી ખાતેના કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ થશે. ડાન્સપાર્ટીના સ્થળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ વગેરે મળીને દરેક જગ્યાએ ઓછામાં ઓછા 15 સીસીટીવી લગાવવા આયોજકો માટે ફરજિયાત છે. જેના રેકોર્ડિંગની સીડી આયોજકોએ બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. રેવ પાર્ટી તેમજ તેનું ઓન લાઈન બુકિંગ થતું હોય તેને રોકવા સાઈબર ક્રાઈમની ટીમો કામ કરી રહી છે. આ પ્રકારની પાર્ટીઓ ઉપર બાજ નજર રાખવા માટે એનસીબી, ક્રાઈમ બ્રાન્ચ, સાઈબર ક્રાઈમ અને એટીએસની ટીમો કામ કરી રહી છે.
લોન-પાર્ટી પ્લોટમાં રાતે 10 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડીને ડાન્સપાર્ટી યોજી શકાશે. જ્યારે બંધ હોલમાં રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડીને ડાન્સપાર્ટી યોજી શકાશે. આ સમયનું દરેક આયોજકે ફરજિયાત પાલન કરવાનું રહેશે. મે આઈ હેલ્પ યુ’ના બોર્ડ સાથે હેલ્પસેન્ટર ખોલાશે જેમાં બાળકો માતા-પિતાથી જુદા પડી જાય, મોબાઈલ ફોન – પાકીટ ચોરાઇ જાય તેમજ છેડતીની ઘટનામાં જે તે સેન્ટર પરથી તાત્કાલિક પોલીસની મદદ મળી રહેશે.