અમદાવાદ- હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.શહેરમાં મેટ્રો શરુ થતાં જ તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ આજે મેટ્રો ટ્રેનમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા વસ્ત્રાલ સ્ટેશને લોકોની લાંબી લાઈન લાગી ગઈ હતી. સવારે 10 વાગ્યાથી જ લોકો મેટ્રોમાં સવાર થવા માટે પહોંચી ગયાં હતાં. જોકે, લાંબો સમય સુધી રાહ જોવા છતાંય મેટ્રો ટ્રેન ન આવતા લોકો અકળાયા હતાં. આખરે સ્ટેશન પર જાહેરાત કરવામાં આવી હતી કે, મેટ્રોમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી ટ્રેન 12 વાગ્યે આવશે.
સામાન્ય રીતે મેટ્રો ટ્રેન સવારે 10 વાગ્યે શરુ થઈ જતી હોય છે. જોકે, આજે કોઈ ખામી સર્જાતા મેટ્રો આવી જ નહોતી શકી. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ મેટ્રોમાં સેન્ટ્રલ એસી બંધ થઈ જતાં લોકો પરેશાન થઈ ગયા હતાં.
હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક વચ્ચે સાડા છ કિલોમીટરના રૂટ પર મેટ્રો દોડી રહી છે. 06 માર્ચના રોજ મેટ્રોને લોકો માટે ખૂલ્લી મૂકવામાં આવી હતી. શરુઆતના દસ દિવસ સુધી મેટ્રોમાં ફ્રીમાં મુસાફરી કરી શકાશે, ત્યારબાદ વસ્ત્રાલથી એપરેલ પાર્ક જવા 10 રુપિયા ભાડું ચૂકવવું પડશે.
હાલ શહેરમાં સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી જ મેટ્રો દોડી રહી છે. બે મેટ્રો ટ્રેન સાઉથ કોરિયાથી અમદાવાદ પહોંચી ગઈ છે. જોકે, હાલ એક જ ટ્રેનને દોડાવાઈ રહી છે. વસ્ત્રાલથી એપરેલ પાર્ક વચ્ચેનું અંતર કાપતા મેટ્રોને વીસેક મિનિટ જેટલો સમય લાગે છે.