અમદાવાદ- આગામી ૨૩ મેના રોજ લોકસભાની ચૂંટણી ૨૦૧૯ની મતગણતરી યોજાવા જઇ રહી છે, ત્યારે ગુજરાતનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર અમદાવાદ ગુજરાત કોલેજ ખાતે ઉભા કરાયેલ રાજ્યના આદર્શ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે પાસેથી માહિતી મેળવી હતી. સાથે જ મતગણતરીમાં સંકળાયેલ રાજ્યના તમામ રિટર્નિંગ અધિકારીઓની એક દિવસીય તાલીમ શિબિરમાં માર્ગદર્શન પુરું પાડ્યું હતુંઆ તાલીમ શિબીરમાં તમામ જિલ્લાનાં રિટર્નિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઇવીએમ, વીવીપેટ અને બેલેટ પેપરની ગણતરી સંબંધિત બાબતોની તાલીમ સાથે જાણકારી આપવામાં હતી.મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે આ આદર્શ મતગણતરી કેન્દ્રની રાજ્યના તમામ રિટર્નિંગ ઑફિસર સહિતના અધિકારીઓ મુલાકાત લેશે અને પોતાના જિલ્લાઓના મતગણતરી કેન્દ્રો પર સમાન પ્રકારની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરશે.૨૩ મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ની મતગણતરી યોજાવા જઈ રહી છે ત્યારે મતગણતરી કેન્દ્રની સજ્જતા અગત્યનું પાસું છે. ત્યારે આ મતગણતરી કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા, સી.સી.ટી.વી. કેમેરા, જરુરી સુચનાઓ સાથેના સાઇન બોર્ડ, સુવિધાઓ, પારદર્શિતા સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસારની તમામ વ્યવસ્થા ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવી છે. આ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્યના તમામ જિલ્લાઓના મતગણતરી કેન્દ્રો પર કરવામાં આવશે. ગુજરાત કોલેજ ખાતે અમદાવાદ પશ્ચિમ બેઠક તથા એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં અમદાવાદ પૂર્વની મતગણતરી યોજાશે.