બનાસકાંઠામાં વહેલી સવારે વાવાઝોડું, વીજળી પડતાં ખેડૂત અને બે ભેંસનું મોત

0
2175

બનાસકાંઠા-હવામાનવિભાગે કરેલી આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ગઈકાલ સાંજથી ક્યાંક ક્યાંક વરસાદ અને વાવાઝોડું જોવા મળ્યું હતું. બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ ગુરુવારે સાંજથી જ વાવાઝોડાં સાથે થયેલા કમોસમી વરસાદથી ઘણું નુકસાન થયું છે. સમાચાર છે કે ચાંગડા ગામમાં ગઇકાલે મોડી રાતે વીજળી પડતાં વીસ વર્ષના એક ખેડૂત યુવાન સહિત બે ભેંસના મોત નીપજ્યાં હતાં.વિગત પ્રમાણે લાખણીના ધાણા ગામમાં ભારે પવન ફૂંકાયો ત્યારે દાનાભાઇ નામના ખેડૂત ગાજવીજ સાથેના વરસાદને લઇને ચિંતાતુર થયાં હતાં અને બે ભેંસોનો બચાવ કરવા ખેતર ગયા હતાં, જ્યાં તેમની બે ભેંસ બાંધેલી હતી. ત્યાં દાનાભાઈ પર વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું. તેમની સાથે બે ભેંસોનાં પણ મોત થયાં હતાં. ખેડૂત દાનાભાઈના મૃતદેહને પીએમ માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ધાણા ગામે  વાવાઝોડાના કારણે અન્ય ખેડૂતોના ખેતરમાં રહેલા તબેલાના શેડ ઉડી જતાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે. જ્યારે શેડના પતરા ઉડીને પશુઓ પર પડતાં પશુઓને પણ ગંભીર ઈજાઓ થઈ છે.

ગઇકાલ મોડી સાંજથી વાવ, થરાદ પથંકમાં એકાએક ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદ શરુ થયો હતો અને ઘણાં વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક અને માર્કેટયાર્ડમાં આવેલા પાકનો જથ્થો પલળતાં બચાવવા માટે પણ દોડાદોડ મચી હતી. આજે પણ ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ થાય તેવી પણ આગાહી છે પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ થતાં ઉનાળુ બાજરીના પાકને મોટું નુકસાન થયું છે. તૈયાર થયેલી બાજરી પર વરસાદ થતાં ખેડૂતના મોઢામાં આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. મહત્વનું છે કે થરાદ, વાવ પંથકમાં એક સપ્તાહથી ભારે ગરમીનું વાતાવરણ જામ્યું હતુંજે બાદ બે દિવસથી વાદળછાયું વાતાવરણ બની ગયું હતું. ગઇકાલે મોડી સાંજે વાવ તાલુકાના ઢેરીયાણા, ટૂંડા વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પડ્યાં હતાં.