અમદાવાદઃ શહેરની ક્રાઈમ બ્રાંચે એમડી ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરી છે. આ લોકો મુંબઈથી બસમાં આ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા છે. પકડાયેલા લોકો પાસેથી 1.469 કિલો મેથા એમફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું હતું.
(પ્રતિકાત્મક તસવીર)
ક્રાઈમ બ્રાંચ દ્વારા પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેમણે જણાન્યું કે અમે લોકોએ ગોવાના એક વ્યક્તિ પાસેથી આ જથ્થો મંગાવ્યો હતો. સમગ્ર મામલે મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ હુસેનની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના ઘરે સર્ચ કરતા તેમની પાસેથી એક પિસ્ટલ અને ત્રણ કારતુસ પણ મળી આવ્યા છે. ક્રાઈમ બ્રાંચે કુલ સાત લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ શાહજહાંથી સુરત આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અનેક મુસાફરો સવાર હતા. કસ્ટમ ચેકિંગ કરાવ્યા બાદ મુસાફરો ટર્મિનલ બિલ્ડિંગની બહાર જઈ રહ્યા હતા. તે દરમિયાન કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટને એક યાત્રી પર શંકા ગઈ હતી. આ યુવકની હિલચાલ તથા તેની ચાલવાની રીત કંઈક અલગ લાગતી હતી. પોતાના ગુપ્તાંગમાં તેણે કોઈ વસ્તુ છુપાવી હોય તેવું અજુગતુ લાગતું હતું. જેથી એર ઇન્ટેલિજન્સ યુનિટે યાત્રીને પૂછપરછ માટે અટકાવ્યો હતો.
મુંબઈના ઉલ્હાસનગર ખાતે રહેતો મનોહર રોહરા નામના યાત્રીની શારીરિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેને ગુપ્તાંગના ભાગે કેપ્સુલ જેવો પદાર્થ છુપાવ્યો હોવાનું સામે આવ્યું હતું. મનોહરનું મેડિકલ પરીક્ષણ કરાયા બાદ ગુપ્તાંગમાંથી કેપ્સુલ કાઢવામાં આવી હતી. સોનાના બિસ્કીટને પીગળાવી તેને પેસ્ટ ફોમમાં ઢાળી દાણચોરી કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગે 275 ગ્રામ સોનુ જપ્ત કર્યું હતું, જેની બજાર કિંમત 11 લાખ થાય છે. જોકે કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સ યુનિટની સતર્કતાને કારણે દાણચોરો ઝડપાઇ રહ્યા છે.