લોથલમાં હડપ્પા સંશોધન દરમિયાન દુર્ઘટના, 1 મહિલા અધિકારીનું મોત

અમદાવાદના ધોળકાના લોથલમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા 2 વિદ્યાર્થિની દટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટનામાં 1નું મોત થયું છે જ્યારે અન્ય 1ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાજ જિલ્લાના ધોળકાના હડપ્પા સંસ્કૃતિના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી ત્યારે આ દર્દનાક ઘટના બની છે.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોથલમાં 2 મહિલા અધિકારી માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરી હતી. મહિલા અધિકારીઓ જે ખાડામાં સેમ્પલ લેવા ઉતરી ગઇ હતી તે ખાડો 15 ફૂટ ઉંડો હતો. અચાનક જ ખાડાની માટીની ભેખડ ધસી જતાં બંને મહિલા અધિકારી દટાયા હતા. ઘટનામાં 1 મહિલા અધિકારીનું મોત થયું છે જ્યારે અન્ય અધિકારીને બચાવવાની કામગિરી શરુ કરાઇ હતી. જીવિત મહિલા માટી અંદર દબાયા હોવાથી એમ્બ્યુલન્સ, ફાયર ટીમ અને પોલીસ ટીમ સહિતની ટીમો મહિલાની બચાવ કામગીરી કરવા કામે લાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અને દિલ્હીના ચાર થી વધુ અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ ગયા હતા અને મૃતક મહિલા અધિકારી દિલ્હીના હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાયું છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ છે.