ખેડૂત પુત્ર વિજયે JEE-એડવાન્સ પાસ કરી

અમદાવાદઃ  એક પથ્થરને હીરો બનવા માટે ફક્ત એક તકની જરૂર હોય છે અને 18 વર્ષના વિજય મકવાણાએ આ જ વાત સાબિત કરી આપી છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નવી અખોલ ગામમાં વસતો એક ખેડૂતનો પુત્ર વિજય એ અમદાવાદસ્થિત વિસામો કિડ્સ ફાઉન્ડેશનનો પહેલો વિદ્યાર્થી છે, જેણે જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ પાસ કરી લીધી છે. આ પરીક્ષાનાં પરિણામો સોમવારે જાહેર થયાં હતાં.

વિજયે અનુસૂચિત જાતિ (એસસી)ની કેટેગરીમાં 1,849મો ઓલ ઇન્ડિયા રેન્ક (એઆઇઆર) મેળવીને આ સંસ્થાના નામને રોશન કર્યું છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી વિજય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (IIT) ખડગપુર અથવા રુડકીમાં એડમિશન મેળવવા માગે છે.

વિજયે આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘વિસામો કિડ્સ ફાઉન્ડેશનને કારણે મને પ્રાપ્ત થયેલા સમર્થન અને તકો માટે હું તેમનો ખૂબ જ આભારી છું, જેણે મને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવામાં અને મારા સપનાઓને સાકાર કરવામાં મને મદદ કરી છે.’

વિસામો કિડ્સ ફાઉન્ડેશનના એડમિનિસ્ટ્રેટર સુદેશના ભોજિયાએ જણાવ્યું હતું કે ‘ વિજય જેવા વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે શિક્ષણમાં જો યોગ્ય તક પ્રાપ્ત થાય તો તે તેમના કૌશલ્યોનું ઘડતર કરવાની સાથે-સાથે તેમને તેમની સાચી ક્ષમતા જાણવા સક્ષમ બનાવે છે અને તેને યોગ્ય દિશા પૂરી પાડી તેમના ભવિષ્યનું ઘડતર પણ કરે છે.’