GLS યુનિ.માં હેરિટેજ સિમ્પોઝિયમ ટુરનું આયોજન

અમદાવાદઃ સિટી હેરિટેજનું આકર્ષણ- જે એક સમયે સહભાગીઓને 600 વર્ષ જૂના કોટવાળા શહેરમાં જીવન અને સંસ્કૃતિનો અનુભવ કરાવતો હતો, તે પરિવારોને પોળ છોડવા સાથે ઓછો થઈ રહ્યો છે. આજે અમદાવાદ કે બીજાં શહેરો આધુનિક બની રહ્યાં છે, પણ એક જમાનો હતો કે જયારે આપણાં શહેરો પોળોમાં સમાયેલાં હતાં. આજે લોકો પોળોની બહાર જઈને વસી રહ્યા છે, પણ પોળો એવી ને એવી જ એક વારસારૂપે (હેરિટેજ- Heritage) સચવાયેલી રહી છે. આજની યુવાન પ્રજાને પોળોની સંસ્કૃતિ વિષે બહુ ખબર નથી. એ જાણવા-જોવા માટે અમદાવાદ ગ્લોબલ શેપર્સ અને એક્સપ્લોર હેરિટેજ ઇન ઈન્ડિયાએ GLS યુનિવર્સિટીમાં હેરિટેજ સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું.

આ હેરિટેજ સિમ્પોસિયમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને તેમની ચિંતાઓ રજૂ કરવાની અને આપણા સામાન્ય સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સંરક્ષણમાં સામેલ થવાની તક આપવાનો હતો. આ સિમ્પોઝિયમ યુવા લોકોને સ્થાનિક તેમ જ વૈશ્વિક સ્તરે હેરિટેજ સંરક્ષણમાં સામેલ થવા પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત હતું. પ્રેક્ષકોને વર્લ્ડ હેરિટેજ અને ગુજરાત હેરિટેજના ઇતિહાસ સાથે વિવિધ પ્રકારના હેરિટેજ, મૂર્ત-અમૂર્ત હેરિટેજ વિશે પણ ઊંડું જ્ઞાન આપવામાં આવ્યું હતું.

આ વિશે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે યુવાનોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, તેમની પોતાની અને અન્ય સંસ્કૃતિઓના ઇતિહાસ અને પરંપરાઓ વિશે, ઇકોલોજી વિશે અને જૈવવિવિધતાના રક્ષણના મહત્વ વિશે શીખવું જોઈએ. તેમણે સાઇટ્સ સામેનાં જોખમોથી વાકેફ થવું જોઈએ અને સૌથી અગત્યની વાત એ છે કે તેમણે શોધવું જોઈએ કે તેઓ કેવી રીતે વારસાના સંરક્ષણમાં યોગદાન આપી શકે.

આ સિમ્પોઝિયમના ભાગરૂપે GLS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ માટે છ દિવસની હેરિટેજ એક્સપ્લોરેશન ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સિમ્પોઝિયમમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અમદાવાદ ગ્લોબલ શેપર્સ તરફથી કૃણાલ શાહ અને એક્સપ્લોર હેરિટેજ ઇન ઇન્ડિયા તરફથી ખુશી શાહ દ્વારા આ ઇવેન્ટનું સંકલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને પ્રિન્સિપાલ અવની શાહ, પ્રોફેસર હસ્તીમલ સાગરા અને GLSના અન્ય ફેકલ્ટીઓ દ્વારા સહયોગ મળ્યો હતો.