ભચાઉ-ગાંધીધામ હાઈવે પર વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણ બાજુથી ઘેર્યો

ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહર નગર નજીક આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉનથી માત્ર 25-30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આગની ભયાનકતા એટલી હતી કે ધુમાડાના ગોટા 5 કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહ્યા હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

આગની જાણ થતાં જ ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કંડલા, ગાંધીધામ અને ભચાઉની કુલ 6 ફાયર ટીમો સાથે 15થી 16 પાણીના ટેન્કરો સાથે આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આસપાસના ગામોમાંથી પણ પાણીના ટેન્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નજીકના ગાયત્રી પેટ્રોલ પંપને બંધ કરી દેવાયો હતો અને તેના સ્ટાફને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને ટ્રાફિક પોલીસે છ માર્ગીય હાઈવેને બંને તરફથી બંધ કરી દીધો હતો, જેથી વધુ જોખમ ટળે.

ઉલ્લેખનીય છે કે, ગરમીના કારણે લાકડા વચ્ચેના ભૂસામાં આગ ભભૂકી હોવાનું પ્રાથમિક અનુમાન છે, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર ટીમો હાલ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહી છે, જેથી પેટ્રોલ પંપ સુધી આગ ફેલાવાનું જોખમ ટળે.