વડોદરામાં વિશ્વામિત્રીના કિનારે મગરે મહિલાનો શિકાર કર્યો

વડોદરા: વિશ્વામિત્રી નદી મગરોના રહેવાસ માટે જાણીતી છે. ચોમાસાના સમયમાં નદીમાં ભારે માત્રામાં પાણી આવકથી મગર શહેરમાં આવી જવાના કિસ્સા પ્રકાશમાં આવતા રહેતા હોય છે. ત્યારે વિશ્વામિત્ર બ્રિજ પાસે આજે વહેલી સવારે એક મગર મહિલાનું મૃતદેહ મોઢામાં લઈને નજરે પડતા લોકોના ટોળા જામ્યા હતા. ફાયર બ્રિગેડે મગરોને ભગાડી મૃતદેહ કબજે કર્યો હતો. વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોય છે અને વહેલી સવારે ઠંડક હોય ત્યારે સનબાથ માટે મગરો કિનારે પણ નજરે પડતા હોય છે. જેથી મગરોને જોવા લોકો ઉમટતા હોય છે.

આજે વહેલી સવારે કાલાઘોડા પાસે એક મહાકાય મગર કિનારે આધેડ વયની મહિલાના મૃતદેહને મોઢામાં લઈને નજરે પડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા, ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે બીજા ત્રણથી ચાર મગરો પણ આજુબાજુમાં ફરતા નજરે પડ્યા હતા. મહાકાય મગર મહિલાનો મૃતદેહ લઈને નદીમાં ઉતરી જતા ફાયર બ્રિગેડે નદીમાંથી કોઈપણ વસ્તુ ખેંચી લાવતું એક પ્રકારનું સાધન નાંખતા મગર મૃતદેહ છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ મહિલાના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મહિલા ક્યાંની હતી અને કેવી રીતે બનાવ બન્યો છે તે જાણવા માટે શહેર જિલ્લાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. મહિલાના પરીવારની શોધખોળ કરવાની દીશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.