અમદાવાદઃ આગામી 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીની આખા દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 20,000 થી વધારે સરપંચોનું સ્વચ્છતાની નેમ સાથે એક મહાસંમેલન યોજાશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, મહાત્મા ગાંધીના સ્વચ્છતા મંત્રને સાકાર કરવા માટે વડાપ્રધાન મોદીએ જે સ્વચ્છતાનો સંકલ્પ કરીને સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયામાંથી મુક્ત કરવા માટેનો જે સંકલ્પ લીધો હતો, તે સંકલ્પ આજે પૂર્ણ થયો છે. 2જી ઓક્ટોબરના રોજ ગાંધીજીની 150 મી જન્મ જયંતીની ઉજવણીના દિવસે વડાપ્રધાન મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે.
આ દિવસે સાબરમતી, રિવરફ્રન્ટ ખાતે 20 હજારથી વધુ સરપંચોનું મહાસંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. આ સરપંચ સંમ્મેલનમાં ગુજરાતના 10,000 સરપંચો તેમજ ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 10,000 સરપંચો મળી, કુલ 20,000 સરપંચો ભાગ લેશે. સાથે જ સ્વચ્છતાગ્રહી, સ્વ-સહાય જૂથો, યોજના સાથે સંકળાયેલા ગ્રામ્ય સ્તરના સ્વચ્છતા વર્કરો, મહિલા ચેમ્પીયન મળી કુલ પ્રતિનિધિઓના 60 ટકાથી વધુ બહેનો ભાગ લે, તે માટે અગ્રીમતા આપવામાં આવી છે.
(પ્રતિકાત્મક તસવીર)
નીતિન પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી આવનારા સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા, અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજીત કરીને ગાંધીજીની સ્મૃતિને લગતા સ્થળોની મુલાકાત પણ કરાવાશે. સાથે જ તેમના માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા માટે 400 થી વધારે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતા પ્રતિનિધિઓએ ઝોન પ્રમાણે ગાંધીજીની સ્મૃતિ સાથે સંકળાયેલા સ્થળો, જેવાકે દાંડી મેમોરીયલ-નવસારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી-નર્મદા અને દાંડી કુટિર, મહાત્મા મંદિર-ગાંધીનગરની તેમજ મોડલ ગામની મુલાકાત પણ કરાવાશે. આ તમામ પ્રતિનિધિઓને ગુજરાતની સ્મૃતિ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કિચન સાથેની એક કિટ પણ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સભ્યો, દેશ-વિદેશના મહાનુભાવોને સહભાગી થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સીવાય રાજ્ય મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, સંસદસભ્યો, બોર્ડ કોર્પોરેશનના ચેરમેનો, સશસ્ત્ર દળના વડાઓ, હાઈકોર્ટના ન્યાયાધિશો, પદ્મશ્રી એવોર્ડ વિજેતા, ગાંધીયન સંસ્થાઓ, શિક્ષણવિદો, મહિલા મંડળ, સખી મંડળ, યુવા મંડળો અને વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવશે.