સંકલ્પ, સિદ્ધિ અને ભક્તિનું સાયુજ્યઃ અધિક-શ્રાવણ

એ માલિક તેરે બંદે હમ..,હમકો ઇતની શક્તિ દેના મન વિજય કરે..,ઇતની શક્તિ હમેં દેના દાતા..,હે પરમેશ્વર મંગલ દાતા છીએ અમે સૌ તારા બાળ..આવી તો કેટલીય પ્રાર્થના બાળપણમાં આપણે શાળામાં શીખેલા અને બોલતા હતા. પરંતુ જેમ જેમ સમય વીત્યો એમ આપણે મોટા બની ગયા, એટલા કે ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરવા જેટલો પણ સમય નીકાળી શકતા નથી. પણ આજે વાત કરવી છે એવા લોકોની જે નિયમિત પ્રભુમય બને કે નહીં પરંતુ અધિક-શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારણ કરે.

સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રા કરી ત્યારે પોતાની સાથે ભગવદ્ ગીતા લઇને ગયા હતા. કેમ ?  વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને તો કોઇ સંબંથ નથી તો..?  પણ સુનિતાને બંનેમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે. આધુનિત યુગમાં ધર્મ અને આધ્યાત્મિક્તા વિશે ઘણો બદલાવ આવ્યો છે. આપણી જનરેશન નેક્સ્ટ જેમાંના કોઇ વિજ્ઞાનના માણસ છે, કોઇ ગણિતના તો કોઇ સાહિત્યાના. પરંતુ ઉચ્ચ ડિગ્રી, સારો અભ્યાસ અને મોર્ડન જીવનશૈલી વચ્ચેય તેઓ ઇશ્વરની શક્તિ પર અખૂટ શ્રદ્ધા રાખે છે. એટલું જ નહી પણ પવિત્ર શ્રાવણ માસ હોય કે ત્રણ વર્ષે એકવાર આવતો પુરૂષોતમ (અધિક)માસ હોય, ભાવથી ઉપવાસ અને એકટાણા કરે છે.

મહાદેવ મારા મિત્ર..

ઓમ નમઃશિવાય..ઓમ નમઃશિવાય, ઘરમાં જ્યાં જગ્યા મળે, ઘર મંદિર હોય કે ડ્રોઇંગ રૂમ, કે પછી પોતાનો રૂમ પણ મીતના હાથમાં રૂદ્રાક્ષની માળા અને ઓમ નમઃશિવાયનો મંત્ર હોય. નિત્યક્રમ પુર્ણ કરી, શાળાએથી આવીને આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો મીત બારોટ ભોળાનાથની ભક્તિ કરે. વાત થોડી નવાઇ લાગે એવી છે, આજના ફાસ્ટફૂડ પિઝા-બર્ગર યુગમાં 13 વર્ષનો દિકરો અધિક-શ્રાવણ માસના ઉપવાસ કરે તે માનવામાં ન આવે. પરંતુ આ વાત બિલકુલ સાચી છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મીત બારોટ કહે છે, “અમારુ સંયુક્ત પરિવાર છે, બા, દાદા, પપ્પા-મમ્મી નાની બહેન બધા સાથે રહીએ છીએ. બાળપણથી જ બા અને મમ્મીને જુદા-જુદા વ્રત ઉપવાસ કરતા જોતો આવ્યો છું. મને પણ ભગવાનમાં અતુટ શ્રદ્ધા છે, પ્રભુ શિવ મારા મિત્ર હોય તેમ મને લાગે છે. મહાદેવના મંદિર જઇને, પૂજા-અર્ચના કરતા તેમની સાથે ઘણી વાતો સેર કરું છુ. સાચું કહું તો બારે મહિનામાં મારો પ્રિય મહિનો શ્રાવણ માસ છે. મે ગયા વર્ષે પણ આખો મહિનો એકટાણા કર્યા હતા અને આ વર્ષે અધિક માસ કર્યો છે અને શ્રાવણ માસ પણ કરીશ. ભગવાનની વધુ નજીક આવવાનો આ સમય છે. ઉપવાસ કરવાથી મારામાં નવી ઉર્ઝા આવે છે.”

પ્રભુ શિવ અને હું પરસ્પર વાતો કરીએ છીએ

દેવાધિદેવ મહાદેવને જળ ન ચઢાવું ત્યાં સુધી હું પાણી પણ પીતી નથી, આ શબ્દો છે પીનલ રાવલના. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પીનલ કહે છે, “ભગવાનમાં શ્રદ્ધા તો હોય પરંતુ જ્યારે તમારું ધાર્યુ કોઇ કામ ન થાય તો દોષ પણ ભગવાનને જ આપીએ છીએ. પરંતુ મારું તો એક જ સૂત્ર છે મન કી હો તો અચ્છા ના હો તો જ્યાદા અચ્છા. મારા વડીલો હંમેશા કહે છે કે ભગવાન જે કરે છે તે સારા માટે અને આ સાંભળીને જ હું મોટી થઈ છું માટે મને તો ક્યારેય પ્રભુ પાસે ફરિયાદ થતી જ નથી. મારે તો કોઇ પણ કાર્ય કરવું હોય અને મૂંઝવણમાં હોવ તો શિવશંભુ પાસે એક ચીઠ્ઠી મૂકુ છું અને તેમાં મારી સમસ્યાનું સમાધાન મળી જાય છે. મારા ભોળાનાથ મને ક્યારેય નિરાશ નથી કરતા. પ્રભુ શિવ અને હું પરસ્પર વાતો કરીએ છીએ.”

ભગવાનનો આભાર માનવા માટે જ હું શ્રાવણ માસ કરું છું

મને તો ભગવાનમાં જરાય શ્રદ્ધા ન હતી, આ શબ્દો છે 22 વર્ષના યુવાન ક્રિષી શાહના. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ક્રિષી શાહ કહે છે, “મારા મમ્મી ખુબ જ ધાર્મિક પણ હું જાણે એટલો જ નાસ્તિક હતો. આખો દિવસ સુતા રહેવું, કોઇ કામમાં મન ન લાગવું, કશુ કરવાનું ગમે નહીં, કોઇ કશુ કહે તો સામે જવાબ આપવો આ બધી મારી કુટેવ. પણ ધોરણ 12 માં મારું જીવન બદલાઈ ગયું. નાની ઉંમરમાં મને અનેક સમસ્યાઓ સતાવી રહી હતી, પરંતુ તેના જવાબ મારી પાસે ન હતા. મેં ધાર્મિક ગંથ્રો વાંચવાનું શરૂ કર્યુ, તેમાંથી મને જ્ઞાન મળ્યું કે ઉપવાસ કરવાથી મન પર કંટ્રોલ કરી શકાય છે. પહેલા તો વિશ્વાસ ન થયો પરંતુ જ્યારે મેં પ્રથમ વખત શ્રાવણ માસ કર્યો ત્યારે ધીમે-ધીમે મારા માં બદલાવ આવવા લાગ્યો. જેમ તેમ અને ગમે ત્યારે જમવાનું બંધ થયું, જેના કારણે મારામાં શરીરમાં ચેન્જીસ આવ્યા, મેદસ્વીતા ઓછી થઈ, પોઝિટિવીટી આવી, ભણવામાં, ઇતર પ્રવૃતિમાં મન લાગવા લાગ્યું. ભગવાનમાં અતુટ વિશ્વાસ થયો, ભગવાનના હોવાનો વારંવાર અનુભવ થયો. મારું જીવન સંર્પુણરીતે બદલાઈ ગયું. આ વર્ષે 19 વર્ષ પછી અધિક શ્રાવણ માસનો સંયોગ છે માટે મેં અધિક શ્રાવણ માસ અને શ્રાવણ મહિનો બંને કરીશ. ભગવાને નાની ઉંમરે ઘણું આપ્યું છે હવે તો ભગવાનનો આભાર માનવા માટે જ હું શ્રાવણ માસ કરું છું.”

ત્રણ વર્ષે એક વાર આવતો અધિક માસ હોય કે પછી દર વર્ષે આવતો પવિત્ર શ્રાવણ માસ હોય આજની પેઢી પણ શિવમય બની જાય છે. આઇ.આઇ.એમમાં મેનેજમેન્ટના ક્લાસ એટેન્ડ કરતો વિદ્યાર્થિ હોય કે આકાશમાં રોકેટ ઉડાડવાના સપના જોતી કોઇ વિજ્ઞાનની સ્ટુડન્ટ હોય, કે પછી રોજ સવારે છાપું નાંખતા ફેરિયા હોય બધા એટલું તો જરૂર કહે જ છે કે ‘ગોડ તુસી ગ્રેટ હો’.

(હેતલ રાવ,પ્રજ્ઞેશ વ્યાસ)