નવસારી નજીક ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં એક દુઃખદ ઘટના ઘટી છે, જેમાં ચાર મહિલાઓ અને એક યુવક નદીના પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી છે, જ્યારે એક મહિલાનું મોત થયું છે અને એક યુવક હજુ લાપતા છે. મૃતક મહિલા ગુમ થયેલા યુવકની ભાભી હોવાનું સામે આવ્યું છે.
ધારાગીરી ગામના પૂર્ણા નદીના કિનારે ચાર મહિલાઓ કપડાં ધોવા ગઈ હતી. આ દરમિયાન એક મહિલા નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગી. તેને બચાવવા માટે બાકીની મહિલાઓએ પણ પાણીમાં પ્રવેશ કર્યો, પરંતુ તેઓ પણ પ્રવાહમાં ફસાઈ ગઈ. મહિલાઓને ડૂબતી જોઈ નજીકના એક યુવકે તેની ભાભી સહિત અન્ય મહિલાઓને બચાવવા નદીમાં છલાંગ લગાવી. પરંતુ નદીનો તેજ પ્રવાહ તેને પણ ખેંચી ગયો, અને તે લાપતા થઈ ગયો.
નદીની નજીકથી પસાર થઈ રહેલા માછીમારોએ ઝડપથી જાળનો ઉપયોગ કરીને ત્રણ મહિલાઓને બચાવી લીધી. એક મહિલાનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું અને તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું. જોકે, યુવકનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટનામાં મૃતક મહિલા અને ગુમ થયેલો યુવક દિયર-ભાભી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ગુમ થયેલા યુવકને શોધવા માટે સતત કામગીરી કરી રહી છે.
