ગાંધીનગર– રાજ્યના 8 લાખથી વધુ પરીક્ષાર્થીઓને રાજ્યભરમાં રઝળાવનાર એલઆરડી પેપર લીક મામલો પુનઃ નવા સંધાને ગાજી રહ્યો છે. ગત માસ દરમિયાન બનેલી લોકરક્ષક દળ પરીક્ષા પેપર ફૂટવાની ઘટનાને પગલે પરીક્ષા રદ થઈ હતી તે પરીક્ષા હવે આ સપ્તાહના અંતમાં 6 જાન્યુઆરીએ લેવાનાર છે.ત્યારે આજે દિલ્હીથી આ કાંડના મુખ્ય આરોપી સહિત 3 આરોપીઓને ઝડપી લેવામાં પોલિસને સફળતા મળી છે.
ડીજીપીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં જણાવાયાં પ્રમાણે એલઆરડી પરીક્ષાનું પેપર કૌભાંડીઓએ બેંગ્લૂરુની પ્રેસમાંથી દીવાલ કૂદીને પ્રવેશ કરીને ચોરી લીધું હતું. દહિયા ગેગ દ્વારા આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં મુખ્ય સૂત્રધાર વિનય અરોરા અને તેના સાગરિત વિનોદ રાઠોડ અને મહાદેવ અસ્તુરેની ધરપકડ કરી લેવામાં આવી છે. ગાંધીનગર સ્થાનિક પોલીસ, અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી હતી, જેને પગલે પોલીસે સમયાંતરે આ કેસ સાથે જોડાયેલા તમામ પાસાંની તપાસ હાથ ધરી સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આજે ઝડપાયેલા આરોપીઓ સાથેનો વધુ એક આરોપી ફરાર છે તે વિનોદ ચિક્કારા દિલ્હીના પોલિસ પરિવાર સાથે સંકળાયેલો છે.
પરીક્ષાર્થીઓ ગુજરાત એસટી નિગમની બસમાં નિઃશુલ્ક મુસાફરી આ પરીક્ષામાં જવાઆવવા માટે કરી શકે તે માટે અગાઉ થયેલી જાહેરાત પ્રમાણે આજથી બૂકિંગ શરુ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા એલઆરડી પરીક્ષાર્થીઓને નિઃશુલ્ક મુસાફરી કરવા દેવાની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમાં કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જરુરી છે.
એસટી તંત્ર તરફથી પરીક્ષાર્થીઓને સૂચનાઓ… |
પરીક્ષાર્થીઓને નિશુલ્ક ટિકિટની સુવિધા માટે 2 જાન્યુઆરીથી નિગમના તમામ ડેપો તેમજ કંટ્રોલ પોઇન્ટ ખાતેથી એડવાન્સ બુકિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાનો કોલ લેટર અને અસલ આઇડી બતાવીને આ સુવિધા એડવાન્સ બુકિંગ દ્વારા એક્સપ્રેસ, ગૂર્જરનગરી અને નોન એસી સ્લીપર પુરતી મળશે. પરીક્ષાર્થીઓ રોલ નંબરના આધારે બસ ટિકિટ એડવાન્સ બુકિંગ કરવામાં આવશે અને અસલ કોલ લેટર પાછળ અધિકારીઓના સહી સિક્કા કરવામાં આવે છે. જેથી ડબલ બુકિંગ થવાની સંભાવના ના રહે. નિશુલ્ક ટિકિટની સુવિધા ફક્ત લોકરક્ષક દળના પરીક્ષાર્થીઓ માટે જ રાખવામાં આવી છે. જે અંગે ગુજરાત વાહન વ્યવહાર નિગમે એક પત્ર ઈસ્યૂ કર્યો હતો.