અમદાવાદ- લોકસભા ચૂંટણીની તમામ વ્યવસ્થાઓની તૈયારીમાં લાગેલું પ્રશાસન મતદાતા જાગૃતિ માટે પણ ભરપુર કોશિશ કરી રહ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યાં છે. આ કડીમાં રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી રવિવારે મતદાન જાગૃતિ માટે ૧૫ હજારથી વધુ નગરજનો દોડ લગાવશે.
લોકસભા સામાન્ય ચૂંટણી માટે ગુજરાતમાં આગામી ૨૩ એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે વધુને વધુ નાગરિકો મતદાન કરે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાતા જાગૃતિ માટે વિવિધ પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે તારીખ આગામી રવિવારના રોજ “રન ફોર વોટ” દોડનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ કર્યુ છે.
આ કાર્યક્રમ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી મેદાન, દૂરદર્શન પાછળ, બોડકદેવ થલતેજ ખાતેથી સવારે ૬-૦૦ કલાકે શરુ થશે અને ગુરુકૂળ, સૂરધારા સર્કલ,સાલ હોસ્પિટલ ,વસ્ત્રાપુર થઇ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી મેદાન ખાતે પૂર્ણ થશે. 5 Km ના સર્ક્યુલર રુટ પર આકર્ષક સેલ્ફી પોઇંટ અને મતદાન પ્રેરક સંદેશ લગાવવામાં આવશે.
શહેરના યુવા-વયસ્ક તમામ નગરજનો અને મોર્નિંગ જોગર્સને આ દોડમાં ભાગ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે. “રન ફોર વોટ” દોડ માટે રજિસ્ટ્રેશન કરાવવા www.runforvote.in વેબસાઇટ તથા 8000480004 પર મિસ્ડકોલ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.