ગુજરાતમાં ચારે તરફ મેઘ મહેરની જગ્યા પર કહેર બની વરસી રહ્યો છે. કેટલીક જગ્યા પર જળબંબાકાર જેવી સ્થિતી પણ સર્જાય છે. કેટલાક વિસ્તારનું જન જીવન અસ્થવ્યસ્થ જોવા મળી રહ્યું છે. ત્યારે ભારે વરસાદના પગલે રાજ્યભરમાં મોટાભાગના ડેમોમાં પાણી આવક વધી છે. આજે કડાણા ડેમના 21 દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે મહીસાગર નહી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર કડાણા ડેમમાંથી ગતરાત્રે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ભારે માત્રામાં પાણી છોડતા નીચાણવાળા 5 જિલ્લાના 235 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાણીનો પ્રવાહ વધુ હોવાથી પુલના બન્ને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતી હોવાથી તંત્રને કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે. હાલમાં ડેમનું લેવલ 417 ફૂટ 5 ઇંચ પહોંચ્યું છે. જેથી ખેડા વડોદરાને જોડતો ગળતેશ્વર-ડેસર બ્રિજ પણ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત તલાટીઓ, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6થી 10 વગ્યા સુધીમાં ધાનેરામાં 3.23 ઇંચ, ધનસુરામાં 1.57 ઇંચ, મહેસાણામાં 1.42 ઇંચ, શહેરા, વાલિયા અને મોરવા (હડફ)માં 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 48 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.