ગાંધીનગર– આગામી તા.7મી માર્ચથી 23 માર્ચ દરમિયાન ધો-10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ યોજાનાર છે ત્યારે આ પરીક્ષાઓ સરળતાથી, કોઈપણ જાતની ગેરરીતિઓ વિના યોજાય અને વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ અને નિશ્ચિંતતા સાથે પરીક્ષાઓ આપી શકે તે માટે ગુજરાત રાજ્ય માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આ તૈયારીઓના ભાગરૂપે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણ સચીવ વિનોદ રાવ તથા માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે.શાહે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાઓના કલેકટર્સ તથા ડી.પી.ઓ. વગેરે સાથે સંવાદ સાધી પરીક્ષાઓની તૈયારી અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.
ખાસ કરીને પરીક્ષાઓ ગેરરીતિ વિના પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓ નિશ્ચિંતતા સાથે પરીક્ષાઓ આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. માત્ર પરીક્ષાઓમાં ગેરરીતિ આચરવાનો પ્રયાસ કરતા નઠારાં તત્વોના પ્રયાસોનો ભોગ પ્રામાણિક અને દિવસરાત મહેનત કરી પરીક્ષાઓ આપતાં વિદ્યાર્થીઓ ન બને તેવી વ્યવસ્થા વહીવટી તંત્રે ગોઠવે તેવી અપીલ કરવામાં આવી છે. પરીક્ષા તંત્ર સાથે સંકળાયેલા સંબંધિત વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..
માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહે પરીક્ષા સંબંધી માહિતી આપતા જણાવ્યું હતું કે આ પરીક્ષાઓમાં કુલ ૧૮.પ૦ લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે. આ વિદ્યાર્થીઓ નિશ્ચિંતપણે, નિર્ભયતાપૂર્વક પરીક્ષાઓ આપે તે માટે એકશન પ્લાન-ર૦૧૯ તૈયાર કરાયો છે.પરીક્ષાના સંચાલન માટે એસ.એસ.સી. માટે 81 ઝોન અને એચ.એસ.સી. માટે 56 ઝોનની રચના કરાઈ છે. એસ.એસ.સી. માટે કુલ 925 કેન્દ્રો અને એચ.એસ.સી. માટે 653 કેન્દ્રો રાખવામાં આવ્યા છે.
આ વિડિયો કોન્ફરન્સમાં તમામ જિલ્લાઓના કલેકટર્સ અને પરીક્ષાતંત્ર સાથે સંકળાયેલા જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓએ પરીક્ષાની તૈયારીઓ અંગેની વિગતો આપી હતી.