596.34 કરોડની ગ્રાન્ટ મંજૂર, 18 નપા 6 મનપામાં કોને મળશે કેટલું…

ગાંધીનગર- રાજ્યની 18 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટ્સને લઈને માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. સીએમ રુપાણીએ કુલ 596.34 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે.આ ફાળવણીમાં સંબંધિત નપા-મનપાઓને જે રકમ મળશે તે વિશે જાણીએ…

આ ગ્રાન્ટ પાણી પુરવઠા ભૂગર્ભ ગટર યોજના, રેલવે ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ, ટ્રાફિક સિગ્નલ, નગર બ્યૂટિફિકેશન, રોડ અને સ્ટ્રીટલાઈટના માળખાકીય વિકાસ કામો માટે રૂ. ૫૯૬.૩૪ કરોડની ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી આપી છે.
આ અંતર્ગત પાણી પુરવઠાના કામો માટે રૂ. ૧૫૩.૧૧ કરોડ, રેલવે ઓવરબ્રિજ – અંડરબ્રિજ કામો માટે રૂ. ૬૨.૨૩ કરોડ, ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૩૪૪.૩૬ કરોડ, આગવી ઓળખના કામો અને બ્યુટિફિકેશન કામો માટે રૂ. ૮.૫૬ કરોડ, રોડ રસ્તા અને સ્ટ્રીટલાઈટ કામો માટે રૂ. ૮.૫૮ કરોડ, તેમજ ટ્રાફિક સિગ્નલ અને ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર માટે રૂ. ૧૯.૫૦ કરોડ ફાળવવામાં આવશે.

આ રકમ ફાળવવાની મંજૂરી આપી છે તેમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાયાવદર નગરપાલિકાને રૂ. ૧.ર૯ કરોડ, જામરાવલ નગરપાલિકાને રૂ. ૪.૮૮ કરોડ તથા કડોદરા નગરપાલિકાને રૂ. ૧૧.૬૮ કરોડ ફાળવાયા છે. પાણી પુરવઠાના કામો માટે સૂરત મહાનગરપાલિકાને રૂ. ૬ર.ર૬ કરોડ તથા વડોદરા મહાનગરમાં પ૦ એમ.એલ.ડી.ના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ. ૬૧ કરોડ તેમજ તાજેતરમાં વડોદરામાં સમાવવામાં આવેલા આઉટગ્રોથ વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધાના કામો માટે રૂ. ૧ર કરોડ મળશે.

નગરો અને મહાનગરોમાં ટ્રાફિક અને વાહન યાતાયાત નિયંત્રણ-સુવિધા માટે રેલ્વે ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામો માટે ભાવનગર મહાનગરપાલિકાને રેલ્વે અંડરબ્રિજ માટે રૂ. ૬.૮૩ કરોડ તેમ જ જૂનાગઢ મહાનગરપાલિકાને રેલ્વે ઓવરબ્રિજ માટે રૂ. ૩૧.૪૦ કરોડ ફાળવાયા છે. હિંમતનગર, તલોદ, વિજલપોર અને વાપી આ ચારેય નગરપાલિકાઓને રેલવે અંડરબ્રિજ માટે પ્રત્યેકને રૂ. ૬ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

જૂનાગઢ મહાનગરપાલિકામાં ટ્રાફિક સીગ્નલના કામો માટે રૂ. ૧.પ૦ કરોડ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને ફાયરબ્રિગેડના નવીનીકરણ માટે રૂ. ૧૮ કરોડ મંજૂર કર્યા છે.

ભૂર્ગભ ગટર કામો માટે કુલ રૂ. રૂ. ૩૪૪.૩૬ કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે તેમાં વડોદરા મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં ગટરના કામો માટે રૂ. ૧પ કરોડ, બોટાદ નગરપાલિકાને રૂ. ૪૩.૩ર કરોડ, ગાંધીધામ નગરપાલિકાને રૂ. ૯૯.૬ર કરોડ, માંગરોળ નગરપાલિકાને રૂ. ૮૮.૭૪ કરોડ તથા મોડાસા નગરપાલિકાને રૂ. ૬૪.૭પ કરોડ અને રાજપીપળા નગરપાલિકાને રૂ. ૧૭.પ૬ કરોડ ફાળવામાં આવશે.

રાજ્યની નગરપાલિકાઓને સંબંધિત નગરની આગવી ઓળખના કામો માટે જે રકમ મંજૂર કરવામાં આવી છે તેમાં, બાયડ નગરપાલિકાને ટાઉનહોલ બનાવવા રૂ. ૧.૯૮ કરોડ, દામનગર નગરપાલિકાને તળાવ બ્યૂટીફિકેશન માટે રૂ. ૧.૯૮ કરોડ, પાદરાને તળાવ બ્યૂટીફિકેશન માટે રૂ. ૩.૧૦ કરોડ અને માણસા નગરપાલિકાને આ જ કામ માટે રૂ. ૧.પ૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

ખાનગી સોસાયટીમાં જનભાગીદારીના કામો અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકામાં રોડ અને સ્ટ્રીટલાઇટના ૩૭ કામો માટે રૂ. પ.૭૬ કરોડ અને ભાવનગર મહાનગરપાલિકાને રોડ-રસ્તાના પ૯ કામો માટે રૂ. ૧.૭પ કરોડ ફાળવાયાં છે.