અમદાવાદઃ શહેરમાં આવેલો સીજી રોડ શહેરની શાન છે. સીજી રોડ પરનું નવપુરા મ્યુનિસિપલ માર્કેટ પણ અમદાવાદની ઓળખ બન્યું છે. આજથી 22 વર્ષ પહેલા સીજીરોડને આધુનિક બનાવાયો હતો. અત્યારે સીજીરોડ હાઈરાઈઝ અને મોર્ડન કોમ્પ્લેક્સથી ભરચક થયો છે.
એક પ્રકારે સીજીરોડની સીકલ હવે બદલાઇ ગઇ છે એટલે સીજીરોડ પરની મ્યુનિસિપલ માર્કેટની પણ કાયાપલટ કરવા મ્યુનિસિપલ સત્તાવાળાઓ ગંભીર બન્યા છે. હયાત મ્યુનિસિપલ માર્કેટને તોડીને ત્યાં ૧૪ માળનું બહુમાળી બિલ્ડીંગ ઊભું કરીને તેમાં પબ્લિક પાર્કિંગની સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.
એક સમયે શહેરીજનોમાં આશ્રમરોડની બોલબાલા હતી. આશ્રમરોડ પર દુકાન કે ઓફિસ ધરાવવી તે કોઇ પણ વ્યાવસાયિક માટે ગૌરવની બાબત હતી. કાળક્રમે આશ્રમરોડનું સ્થાન સીજીરોડે લઇ લીધું છે. સીજીરોડના નવરંગપુરા વોર્ડનું મ્યુનિસિપલ માર્કેટ પણ વર્ષોથી સીજીરોડની ઓળખ બન્યું છે. અનેક અમદાવાદીઓ માટે આ મ્યુનિસિપલ માર્કેટ મનપસંદ વસ્તુઓની ખરીદી માટેનું માનીતું કેન્દ્ર છે. આગામી દિવસોમાં આ મ્યુનિસિપલ માર્કેટની કાયાપલટ થવાની છે.
મ્યુનિસિપલ સત્તાધીશો ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના ડ્રાફટ બજેટમાં મ્યુનિસિપલ માર્કેટના નવેસરથી ડેવલપમેન્ટની દિશામાં ગંભીર બન્યા હતા. તે વખતે મ્યુનિસિપલ માર્કેટમાં મિલ્ટસ્ટોરિડ શોપિંગ વિથ પાર્કિંગ સુવિધા હોય તે પ્રકારનું બાંધકામ પીપીપી ધોરણે કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ લેવાઇ હતી.
મ્યુનિસિપલ માર્કેટના ૪૦ થી ૪ર જેટલા તંત્રના ભાડુઆત દુકાનદારોના ધંધા-વ્યવસાયને નુકસાન ન થાય અને તેઓની રોજગારી જળવાઇ રહે તે રીતે તેમને વૈકલ્પિક વ્યવસ્થાનો વિકલ્પ આપી પ્લોટમાં બહુમાળી બિલ્ડીંગ ઊભું કરાશે. મ્યુનિસિપલ માર્કેટના પ્લોટમાં ૧૪ માળનું મિલ્ટસ્ટોરિડ શોપિંગ વિથ પાર્કિંગ સુવિધા હોય તે પ્રકારનું બાંધકામ પીપીપી ધોરણે કરાવીને ત્યાં ગ્રાઉન્ડ ફલોરના ઉપરની વધારાની વિશાળ કોમર્શિયલ જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનને ઉપલબ્ધ થઇ શકે તેમ છે, જેમાં વધારાની પબ્લિક પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે.
મહત્વનું છે કે સીજીરોડને ડેવલપ કરવાની યોજના હવે લગભગ અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં આ માટે ટેન્ડર બહાર પડશે અને પાઈલટ પ્રોજેકટના ભાગરૂપે સ્ટેડિયમ પાંચ રસ્તાથી સ્વસ્તિક પાંચ રસ્તા સુધીનો પેચ બે વિકલ્પમાં તૈયાર કરાશે. ત્યારબાદ લોકોનો તે ડિઝાઇન માટે અભિપ્રાય લઈને કઇ ડિઝાઇન રાખવી તેનો અંતિમ નિર્ણય કરાશે. માર્કેટનો પ્રોજેક્ટ ફાઇનલ થયા બાદ સીજીરોડના રંગરૂપ બદલવાની કામગીરી શરૂ થશે.