સીએમ રુપાણીએ વતન ચણાકામાં કર્યાં પિતૃદર્શન, વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ

ગાંધીનગર– સીએમ વિજય રુપાણીના વતન ચણાકામાં ગ્રામજનો માટે હરખના તેડાં હતાં. આજે ચણાકાના વતની વિજય રુપાણી ગામમાં આવ્યાં હતાં. તેઓ પોતાના વતન ચણાકામાં પહેલીવાર વિવિધ યોજનાના કામોનું  લોકાર્પણ કરવા આવ્યાં હતાં. મુખ્યપ્રધાન વિજય રુપાણી જૂનાગઢના ચણાકા ગામમાં, પોતાના વતનમાં બીજીવાર સીએમ બન્યાં બાદ પ્રથમવાર વિવિધ કાર્યક્રમમાં આજે હાજર રહ્યાં હતાં.ચણાકામાં આ કાર્યક્રમને લઇને ઉત્સાહ વ્યાપી ગયો હતો.

સીએમ રુપાણી તેમનાં પત્ની અંજલિ રુપાણી સાથે પોતાના સૂરાપૂરા બેચરબાપાની દેરીએ નતમસ્તક થયાં હતાં. તો અંબા માતાના દર્શન અને મહાદેવ મંદિરના દર્શને પણ ગયાં હતાં. બાદમાં તેમણે વિવિધ કાર્યક્રમો સંપન્ન કરાવ્યાં હતાં.સીએમ રુપાણીએ ચણાકા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહલગ્નમાં 21 નવયુગલોને આશીર્વાદ સાથે  ગીર ગાયની વાછરડીનું પૂજન કરી દરેક નવદંપતિને ગીર ગાયની વાછરડીનું ગૌ દાન કરવામાં આવ્યું હતું..અન્ય એક કાર્યક્રમમાં ભેંસાણ જૂથ યોજના હેઠળ ચણાકામાં બોર, પમ્પિંગ મશીનરી, પીવીસી પાઇપલાઇન વગેરેનું 13.74 લાખના ખર્ચે બનેલી પાણી પુરવઠા અને વાસ્મોની 65.41 લાખના ખર્ચે બનેલી ઘેરઘેર પાણી પહોંચાડવાની યોજનાનું લોકાર્પણ છે. વર્ષો પછી ચણાકા ગામને આ સુવિધા મળી હોવાથી મહિલાવર્ગમાં આનંદ ભયો જેવો માહોલ છે.આ ઉપરાંત, ચણાકામાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશને બનાવેલ 442 લાખના ખર્ચે બનેલું 66 કેવી સબસ્ટેશન લોકાર્પણ પણ મુખ્ય છે. આ સબસ્ટેશનથી ગોરખપુર, ઉમરાળી, વાંદરવડ, નાના ગુજરીયા, મોટા ગુજરીયા, હાજાની પીપળીયા અને પીરવડ,  સહિતના ગામોને પૂરતા વીજભાર સાથે વીજ પુરવઠો મળશે.