અમદાવાદ – આજે અષાઢ સુદ બીજના પાવન દિવસે અમદાવાદમાં સવારે ‘જય રણછોડ, માખણ ચોર’ના ગગનભેદી નારા સાથે ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી. જગતના નાથ એવા ભગવાન જગન્નાથજીની આ 142મી રથયાત્રાનું પર્વ અમદાવાદનાં ભક્તો પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયું હતું. શહેરના જમાલપુરસ્થિત નિજ મંદિરેથી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને એ સાથે ભગવાન એમનાં ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા પર નીકળ્યાં હતાં.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ સંપન્ન કરી હતી. તેમણે અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
એ પહેલાં, વહેલી સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એમના પત્ની સોનલબેન સાથે ભાગ લીધો હતો.
આશરે 14 કિ.મી. લાંબી આ રથયાત્રા અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે અને ભગવાનનાં દર્શન કરવા માટે માનવમહેરામણ ઉમટ્યો છે.
પરંપરા અનુસાર રથયાત્રાના રૂટ પર અનેક અખાડા દ્વારા વિવિધ પ્રકારનાં કરતબ જોવા મળતાં હતાં.
રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની સાથે એમનાં બહેન શુભદ્રા અને ભાઈ બલરામનાં પણ રથ સામેલ છે. ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે.
- 10:00 કલાકે રથયાત્રાના ગજરાજ કાલુપુર પહોંચ્યા હતા. તો અખાડા રાયપુર ચકલા પાસે પહોંચ્યા હતા. અખાડા દ્વારા રસ્તા પર મલખંભ તથા વિવિધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. લોકો દ્વારા દરેક નાકે તેમને મીઠો આવકાર મળી રહ્યો છે.
- રસ્તામાં ઠેર ઠેર મહિલાઓની મંડળી ભક્તિમય ભજન ગાતી દેખાઈ રહી છે.
- જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે, તેમ તેમ લોકો વધુને વધુ ભક્તો રથયાત્રામાં જોડાઈ રહ્યાં છે. સવારે 30 કલાકે રથયાત્રાના ટેબ્લો ઢાળની પોળમાં પહોંચ્યા હતા, તો ગજરાજ ચકલેશ્વર મહાદેવ વિસ્તારમાં હતા.
- 101 ટ્રકો રથયાત્રામાં જોડાઈ છે. જેમાં વિવિધ ટેબ્લો ઉભા કરાયા છે. હાલ રથયાત્રાની ટ્રકો આસ્ટોડિયા પહોંચી છે. શહેરના 19 કિલોમીટર રુટ પર રથયાત્રા ફરશે. રથયાત્રામાં શણગારાયેલા 16 ગજરાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળ્યા છે. જેમાં દેશભક્તિને લગતો ટેબ્લો મુખ્ય આકર્ષણ બન્યો છે. આ ટેબલો પર વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર લગાવાઈ છે, જેના થકી રાષ્ટ્રભાવનાનો મેસેજ આપવામાં આવ્યો છે.
- આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પણ લગાવવામાં આવી છે. આ ટેબલોમાં બેસેલા બાળકોએ ભારતીય સેના અને આર્મીનો પહેરવેશ પહેર્યો છે. તો એક બાળકે અભિનંદનની જેમ મૂંછો રાખી છે. રથયાત્રામાં જોડાયેલ ટેબ્લોમાં ગૃહપ્રધાન અમિત શાહના પણ કટઆઉટ લગાવવામાં આવ્યા છે. અલગ અલગ ગ્રૂપના લોકો પોતાના ટેબલો સાથે રથયાત્રામાં જોડાયા છે.
- ભગવાનને ધરાવાયેલા મગની પ્રસાદી લોકોમાં વહેંચવામાં આવશે. લોકોમાં ઉર્જા અને શક્તિનો પ્રચાર થાય તે હેતુથી ભગવાનને મગની પ્રસાદી ચઢાવાય છે અને ભાદમાં ભક્તોને વહેંચવામાં આવે છે.
- ખલાસી સમાજના લોકોએ કહ્યું કે, વરસાદ પડે તો ખલાસી સમાજના લોકો બહુ જ ખુશ થાય છે. આજે અમી છાંટણા પ્રસાદી જેવા બની રહ્યાં. અમે આશા રાખીએ છીએ કે આખો દિવસ ઝરમર વરસાદ વરસતો રહે.
- ભગવાન જ્યારે નગરચર્યા કરવા નીકળ્યા છે, ત્યારે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સરસપુરવાસીઓએ ભગવાનના રથયાત્રાના માર્ગ પર પાણીનો છંટકાવ કરીને રસ્તા ધોયા. મહિલાઓ રથયાત્રા પહેલા બેડલા લઈને રસ્તા ધોયા હતા.
- ભગવાન જગન્નાથ પહોંચ્યા આસ્ટોડીયા
- ગજરાજ સરસપુર પહોંચતા જ મોસાળમાં અમીછાંટણાં
- દરિયાપુરમાં સુરક્ષાના કારણોસર ડ્રોનનો ઉપયોગ કરાયો
- આસ્ટોડિયા,કાલુપુર સહિતના અનેક વિસ્તારોમાં ફરીથી અમી છાંટણા
- ગજરાજ પહોંચ્યા સરસપુર ચાર રસ્તા
- ભગવાનના રથ ચકલેશ્વર મહાદેવ પહોંચ્યા
- ખાડીયા વિસ્તારમાં પહોંચ્યા ભગવાનના રથ
- ખાડીયાથી નિકળી મામાના ઘર તરફ આગળ વધ્યા ભગવાનના રથો
- સરસપુરમાં ગજરાજોને કરાવાયું લાડુનું ભોજન
- પાંચકુવા પહોંચ્યા ભગવાનના રથો
- અખાડા પહોંચ્યા સરસપુર
- કાલુપુર રેલવે સ્ટેશન પાસે પહોંચ્યા ભગવાનના રથો
- કાલુપુરથી પ્રસ્થાન કરી ભગવાનના રથ સરસપુર જવા રવાના
- સરસપુર પહોંચ્યા ભગવાનના રથ, મોસાળમાં ભગવાનનું કરાયું ભવ્ય સ્વાગત
- સરસપુરમાં ભગવાનના રથ પહોંચતા જ થયા અમીછાંટણા, ભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ
- સરસપુરમાં ભગવાનનું થયું ભવ્ય મામેરુ
- સરસપુરમાં થોડો વિશ્રામ કર્યા બાદ ભગવાનના રથ નિજ મંદિર તરફ જવા રવાના થયા
- રથયાત્રામાં થયા અમી છાંટણા
- પ્રેમ દરવાજા, કાલુપુર, અને દિલ્હી ચકલામાં ઝરમર વરસાદ
- ભગવાન જગન્નાથનું ઠેર-ઠેર ભક્તોએ કર્યું સ્વાગત
- દરિયાપુરમાં મુસ્લિમ બિરાદરો કરશે જગતના નાથનું સ્વાગત
- દરિયાપુરમાં છવાયો ભક્તિમય માહોલ
- દિલ્હી ચકલા પહોંચ્યા ગજરાજો…
- દિલ્હી ચકલાથી પસાર થયા ગજરાજો
- શહેરકોટડાથી કાલુપુર બ્રિજ પહોંચશે રથ
- ગજરાજ પહોંચ્યા શાહપુર
- રંગીલા ચોકી પહોંચ્યા ગજરાજ
- ભગવાનના રથ કાલુપુર બ્રિજ પર પહોંચ્યા
- રથયાત્રામાં જોવા મળ્યા કોમી એકતાના દ્રશ્યો
- મુસ્લિમ બિરાદરોએ કર્યું રથનું સ્વાગત
- કબૂતર ઉડાડીને આપ્યો શાંતિનો સંદેશ
- દરિયાપુરમાં અજાન શરુ થતા ઢોલ નગારા બંધ, રથયાત્રામાં જોવા મળી કોમી એકતા
- રથ કાલુપુર સર્કલ નજીક પહોંચ્યા
- પ્રેમ દરવાજા પહોંચ્યા રથ, દિલ્હી ચકલા જવા રવાના થયા રથ
- દરિયાપુર તરફ આગળ વધ્યા રથ, પાનકોરનાકા પહોંચ્યા ગજરાજ
- એક કલાક મોડી ચાલી રહી છે રથયાત્રા
- દિલ્હી ચકલા પહોંચ્યા રથ
- ગજરાજ માણેકચોક પહોંચ્યા
- રંગીલા પોલીસ ચોકી પહોંચ્યા ભગવાનના રથ
- રંગીલા ચોકી વિસ્તારમાં પણ મુસ્લિમ બિરાદરોએ સફેદ કબૂતર ઉડાડીને રથયાત્રાનું સ્વાગત કર્યું
- ભગવાન જગન્નાથજીના રથનું નીજ મંદિર તરફ પ્રયાણ
- નીજ મંદિર ભક્તો જોઈ રહ્યાં છે ભગવાનની રાહ
- ગજરાજ નિજ મંદિરે પહોંચ્યા
- ભગવાન જગન્નાથનો રથ ઘી-કાંટાથી નિકળ્યો
- થોડીજ વારમાં ભગવાનના રથ નિજ મંદિર પહોંચશે
- નિજ મંદિરે ભક્તોનું ઘોડાપુર
- ભગવાનના રથ નિજ મંદિરે પરત ફર્યા જગન્નાથ મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર…
- 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, સરકાર અને પોલીસ તંત્રને હાશકારો, મંદિરના પ્રાગણમાં રોકાશે ત્રણેય રથ વહેલી સવારે આરતી બાદ મંદિરમાં થશે જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીની પધરામણી
(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)