બગોદરામાં 102 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, 25 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાંથી ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે.દાહોદમાં પોશડોડા ગાંજાનો જથ્થો, ભરૂચમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા બાદ હવે બગોદરામાંથી વાહન ચેકિંગ દરમિયાન ગાંજાનો જથ્થો ઝડપાયો છે. બગોદરા હાઇવે પરથી પસાર થઇ રહેલા એક ટ્રકમાં ચેકિંગ કરતા તેમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. પોલીસને ટ્રકમાંથી 102 કિલો ગાંજો ઝડપાયો હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત બગોદરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ઓરીસ્સાથી ટ્રકમાં ગાંજો ગુજરાત આવ્યો હોવાની વાત પણ સામે આવી છે. પોલીસે કુલ 10.24 લાખના ગાંજા સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બગોદરા પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઓરિસ્સાથી એક ટ્રકમાં ગાંજો ગુજરાતમાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વાહન ચેકિંગ શરૂ કર્યુ હતું. જેમાં ઓડિસાથી આવતા ટ્રકમાં 102 કિલ્લો ગાંજા સાથે એક આરોપીને પોલસે ઝડપી પાડ્યો હતો. આ ગાંજો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી છે. હજી સુધી સામે આવ્યું નથી કે આ ગાંજો કોણે મંગાવ્યો હતો,પોલીસના સૂત્રો તરફથી વાત કરવામાં આવે તો આ ગાંજો બગોદરા થઈને ખેડા પહોંચાડવાનો હતો. બનાવની જાણ થતા જ ધંધુકા ડીવીઝનના ASP સહિત બગોદરા, કેરલા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગાંજાનું વજન કરવા સહિતની કામગીરી હાથ ધરી NDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધ રી હતી. ગાંજાનો જથ્થો ક્યા લઇ જવાનો હતો અને કોને આપવાનો હતો તે તમામ માહિતી પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે બીજી બાજું ભાવનગરના અલગ અલગ સાત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એનડીપીએસના ગુનામાં પોલીસે જપ્ત કરેલો રૂા.17,69,802ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ પોશ ડોડાના જથ્થાનો નાશ કર્યો હતો. અદાલત દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ અંકલેશ્વરની કંપનીમાં આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.