હીરા ઉદ્યોગમાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે 10,000 લોકોએ નોકરી ગુમાવી

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે સુરતના હીરા ઉદ્યોગે ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી 10,000થી વધુ લોકોએ નોકરીઓ ગુમાવી છે, જ્યારે ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા એક વર્ષમાં સુરતનો હીરા ઉદ્યોગ અનેક મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યો છે.

વિશ્વમાં વેચાતા 10માંથી નવ હીરાના કટિંગ, પોલિશ અને પ્રોસેસિંગ સુરતમાં કરવામાં આવે છે. વિશ્વમાં કાચા હીરાનો સૌથી મોટો સ્રોતો રશિયામાં છે. યુક્રેનની સાથે યુદ્ધ શરૂ થયા પછી ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયા પર કેટલાય દેશોએ આર્થિક પ્રતિબંધ લગાવી દીધા છે. જેને કારણે હીરાના કાચા માલની આયાત પર અસર પડી છે.

કાચા માલની અછતને કારણે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. હીરાનું કટિંગ, પોલિશ અને પ્રોસેસિંગ માટે આને કારણે લોકોની ઓછી જરૂર પડે છે અને સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં છટણી થઈ રહી છે. રશિયા અને યુક્રેનમાં યુદ્ધ પછી ઓઇલ, ગેસ અને કોલસાની કિંમત વિશ્વમાં વધી છે. આને કારણે મોંઘવારી વધી છે, જેને કારણે હીરાની ખરીદી પર અસર પડી છે.

અમેરિકા, યુરોપ અને ચીન સુરતના હીરાના સૌથી મોટા ખરીદદાર છે અને લાંબા સમયથી મોંઘવારીનો દર ઊંચો રહેવાને કારણે આ વિસ્તારોમાં હીરાની માગ ઘટી છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં રહેલી કંપનીઓએ કામકાજના કલાકો ઘટાડ્યા છે અને સપ્તાહમાં એક દિવસને બદલે હવે કારખાનાં બે દિવસની રજા જાહેર કરી છે.