GST કલેક્શન એપ્રિલમાં 12.6 ટકા વધ્યું: ઓલટાઇમ ઊંચી સપાટીએ

નવી દિલ્હીઃ દેશમાં એપ્રિલમાં GST વસૂલાતમાં વધારો નોંધાયો છે અને તે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. GST વસૂલાતમાં ગયા મહિનાની તુલનામાં 20.7 ટકા વધારો જોવા મળ્યો છે, જ્યારે ગયા વર્ષની તુલનામાં એપ્રિલમાં GST વસૂલાત 12.6 ટકા વધી છે. એપ્રિલ 2025માં કુલ વસૂલાત રૂ. 2.37 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.

દેશમાં એપ્રિલ, 2024માં જીએસટી વસૂલાત રૂ. 2.10 લાખ કરોડ રહી હતી, જે 1 જુલાઈ, 2017થી, જ્યારે GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારથી બીજી સૌથી મોટી વસૂલાત હતી. માર્ચ, 2025 દરમિયાન કુલ વસૂલાત રૂ. 1.96 લાખ કરોડ રહી હતી. ઘરેલુ ટ્રાન્ઝેક્શનમાં જીએસટી આવક 10.7 ટકા વધીને અંદાજે રૂ. 1.9 લાખ કરોડ થઈ, જ્યારે આયાતી માલ પરથી આવક 20.8 ટકા વધીને રૂ. 46,913 કરોડ થઈ ગઈ. એપ્રિલ દરમિયાન રિફંડ જારી કરવાનું પ્રમાણ 48.3 ટકા વધીને રૂ.27,341 કરોડ થયું છે.

ગયા મહિને માર્ચમાં GST વસૂલાતમાં ફેબ્રુઆરીની તુલનામાં 10 ટકા વધારો થયો હતો અને વસૂલાત 11 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. આંકડાઓ અનુસાર માર્ચમાં રિફંડ પછી નેટ વસૂલાતમાં નવ ટકા વધારો થયો હતો અને કુલ ચોખ્ખી વસૂલાત રૂ. 1.76 લાખ કરોડ રહી હતી.

સરકારે થોડા દિવસો પહેલાં માલ અને સેવા કર અપીલ અધિકરણ (પ્રક્રિયા) માટેના નિયમોને નોટિફાય કર્યા છે, જેમાં અરજીઓની ફરજિયાત ઇ-ફાઇલિંગ અને સંયુક્ત પદ્ધતિથી સુનાવણીનો સમાવેશ થાય છે. નિયમોમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો અરજદાર બપોરના 12 વાગ્યા પહેલાં કોઈ અતિઆવશ્યક કેસ દાખલ કરે છે અને અરજી તમામ મામલામાં સંપૂર્ણ હોય, તો તેને બીજા કામકાજના દિવસે જ અપીલ ન્યાયાધીકરણ સમક્ષ લિસ્ટ કરવામાં આવશે.