બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનો ભવ્ય શુભારંભ

ટાગોર હોલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ગુજરાત ઝોન દ્વારા બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થતાં આ પ્રોજેક્ટને હીરક જયંતિ વર્ષના ભાગરૂપે ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ.હર્ષદ પટેલ, રાજયોગિની ભારતી દીદી, ચંદ્રિકા દીદી, શારદા દીદી અને નેહા દીદી સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રોજેક્ટનો હેતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, એકતા અને વિશ્વાસનો સંદેશ ફેલાવવાનો છે. યુનાઇટેડ નેશન્સ ડે (24 ઓક્ટોબર) થી લઈને વર્લ્ડ મેડિટેશન ડે (21 ડિસેમ્બર, 2025) સુધી સમગ્ર વિશ્વમાં લોકો દરરોજ મેડિટેશન દ્વારા વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરશે. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિની સ્થાપના માટે સંતોષ ખૂબ જ આવશ્યક છે. જે આપણી પાસે છે તેનું આભાર માનવું એ શાંતિનો પ્રથમ પગથિયો છે. ડૉ. હર્ષદ પટેલે કહ્યું કે, આજના યુગમાં જીએસટી ઘટે અને ટેરિફ વધે એ વચ્ચે પણ શાંતિનો સંદેશ આપવો એ બ્રહ્માકુમારી બહેનોનું અદભૂત સાહસ છે. શાંતિ દેખાતી નથી, એ અનુભવવાની વસ્તુ છે.

શારદા દીદીએ સમજાવ્યું કે વિશ્વ યુદ્ધ, ગૃહયુદ્ધ અને પરમાણુ ખતરો વચ્ચે માત્ર પ્રાર્થના અને મેડિટેશન જ એ માર્ગ છે જે માનવજાતને અશાંતિમાંથી બહાર કાઢી શકે. કાર્યક્રમના અંતે રંજનબેને સૌને શાંતિની અનુભૂતિ કરાવી, જ્યારે નેહા દીદીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંવેદનાશીલ રીતે સંભાળ્યું.