ભારતમાં આગામી તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ સામાન્ય નાગરિકોના રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સ્થાનિક બજારમાં ખાંડના સતત વધતા ભાવે ગૃહિણીઓ અને વેપારીઓની ચિંતા વધારી દીધી છે. જોકે, આ સમસ્યા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિશ્વ હાલ ખાંડના ભયાનક સંકટ તરફ ધકેલાઈ રહ્યું છે. વિશ્વમાં ખાંડની આ તંગી અને વધતી કિંમતો પાછળ દક્ષિણ અમેરિકાનો અગ્રણી દેશ બ્રાઝિલ અને વૈશ્વિક વાતાવરણમાં આવેલું અનિશ્ચિત પરિવર્તન મુખ્ય કારણભૂત માનવામાં આવે છે.

ભારતમાં ઉત્પાદન ઘટ્યું: રોગ અને કુદરતી આફતો જવાબદાર
ભારત સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ખાંડના ભાવ વધવા પાછળ એકસાથે અસંખ્ય પરિબળો કામ કરી રહ્યા છે. જેમાં સ્થાનિક સ્તરે શેરડીનું ઉત્પાદન ધારણા કરતાં ઓછું રહેવું, તહેવારોની મોસમ પહેલાં બજારમાં માંગમાં અચાનક થયેલો વધારો, શેરડીના પાકને થયેલું નુકસાન અને વૈશ્વિક પુરવઠામાં ઘટાડો મુખ્ય છે.ચાલુ મોસમમાં ભારતમાં ખાંડનું ઉત્પાદન લગભગ 306 LMT (લાખ મીટ્રિક ટન) રહેવાનો અંદાજ છે, જ્યારે અગાઉ શેરડી ઉત્પાદક રાજ્યો દ્વારા પ્રારંભિક અંદાજ 343 LMT લગાવવામાં આવ્યો હતો. ઉત્પાદનમાં આ મોટા ઘટાડા પાછળ શેરડીના પાકમાં આવેલો ‘રેડ રોટ’ (લાલ સડન) અને ‘ટોપ બોરર’ નામનો રોગ જવાબદાર છે. આ ઉપરાંત, સમય કરતાં વહેલા પડેલા અતિભારે વરસાદના કારણે ખેતરોમાં થયેલા જળભરાવે પણ પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. જોકે, તંત્રનો દાવો છે કે ઓક્ટોબરમાં નવી પિલાણ સીઝન શરૂ થાય ત્યાં સુધી દેશમાં માંગ પૂરી કરવા માટે પૂરતો ખાંડનો સ્ટોક ઉપલબ્ધ છે.
બ્રાઝિલની ‘ઇથેનોલ નીતિ’એ વૈશ્વિક રમત બગાડી
દુનિયામાં ખાંડની અછત સર્જાવવાનું સૌથી મોટું કારણ બ્રાઝિલ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન એગ્રીકલ્ચર સર્વિસના ડેટા મુજબ, બ્રાઝિલ વિશ્વના કુલ શેરડી ઉત્પાદનમાં 24% હિસ્સો ધરાવે છે, જ્યારે ભારત 16% સાથે બીજા ક્રમે છે. બ્રાઝિલ પોતાની શેરડીના પાકનો મોટો હિસ્સો ખાંડ બનાવવાના બદલે ઇથેનોલ ઉત્પાદન તરફ વાળી રહ્યું છે.બ્રાઝિલની નેશનલ સપ્લાય કંપની (CONAB) ના અહેવાલ મુજબ, ત્યાં ખાંડના ઉત્પાદનમાં 3% સુધીનો કાપ આવી શકે છે, એટલે કે આ વર્ષે બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન લગભગ 43 મિલિયન ટન જેટલું ઓછું રહેશે. બ્રાઝિલે જુલાઈના અંતમાં ફરજિયાત ઇથેનોલ બ્લેન્ડિંગ રેટ વધારીને 32% કરી દીધો છે, જે એક વર્ષ પહેલાં 27% હતો. કાચા તેલના ઊંચા ભાવને કારણે બ્રાઝિલ ખાંડને બદલે ઇથેનોલ બનાવવામાં વધુ નફો જોઈ રહ્યું છે, જેણે વૈશ્વિક ખાંડની સપ્લાય ચેઈનને તોડી નાખી છે.
‘એલ નીનો’ અને હવામાનનો પ્રકોપ
બીજું મુખ્ય પરિબળ હવામાન છે. ‘એલ નીનો’ ની સક્રિયતાના કારણે બ્રાઝિલના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદમાં વિલંબ થતાં અને તાપમાન વધતાં પાકને માઠું ગ્રહણ લાગ્યું છે. તેવી જ રીતે, વિશ્વની 6% શેરડીનું ઉત્પાદન કરતા થાઈલેન્ડ તેમજ ભારત અને યુરોપિયન યુનિયન (EU) માં પણ આબોહવાના ફેરફારોએ ગંભીર અસર છોડી છે.અમેરિકી કોમોડિટી માર્કેટમાં સુગર ફ્યુચર્સના ભાવ 17 સેન્ટ પ્રતિ પાઉન્ડથી ઉપર પહોંચી ગયા છે, જે મે 2025 પછીના સૌથી ઉચ્ચ સ્તરે છે. નિષ્ણાતોના મતે, શેરડી અને બીટના વાવેતરમાં થયેલા ઘટાડાને કારણે વર્ષ 2026/27 અને 2027/28 સુધી વૈશ્વિક સ્તરે ખાંડની તંગી વધુ ઘેરી બનવાની આશંકા છે.

