ગૌતમ ગંભીર બન્યો ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ

ટીમ ઈન્ડિયાને નવા હેડ કોચ મળ્યી છે અને તમામ અટકળોને સાચી સાબિત કરતા BCCIએ પૂર્વ સ્ટાર ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાની જવાબદારી સોંપી છે. BCCI સેક્રેટરી જય શાહે મંગળવારે 9 જુલાઈએ ગંભીરના નામની જાહેરાત કરી અને ટીમ ઈન્ડિયામાં તેનું સ્વાગત કર્યું. ગયા મહિના સુધી, ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર હતો, જ્યાં તેના નેતૃત્વ હેઠળ, KKR એ 10 વર્ષની લાંબી રાહ જોયા બાદ IPL 2024 નો ખિતાબ જીત્યો હતો.


રાહુલ દ્રવિડનું સ્થાન ગૌતમ ગંભીર કોચ તરીકે લેશે, જેણે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીત સાથે પોતાની સફર સમાપ્ત કરી હતી. કોચ તરીકે ગંભીરની નિમણૂકની લાંબા સમયથી અપેક્ષા હતી. બીસીસીઆઈ તેના મેન્ટર તરીકે કોલકાતા આઈપીએલ ચેમ્પિયન બન્યું ત્યારથી તેના સંપર્કમાં હતું, ત્યારબાદ ગંભીરે ઔપચારિક રીતે અરજી કરી હતી અને પછી ગયા મહિને ક્રિકેટ સલાહકાર સમિતિને ઈન્ટરવ્યુ પણ આપ્યો હતો.

ભારતીય ક્રિકેટ માટે ગંભીર રોલ મોડલ

જય શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ગંભીરના નામની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આધુનિક ક્રિકેટમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે અને ગંભીરે આ ફેરફારોને નજીકથી જોયા છે. ગંભીરની મહેનત અને વિવિધ ભૂમિકાઓમાં સફળતાની પ્રશંસા કરતા શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે ગંભીર એક આદર્શ વ્યક્તિત્વ છે.

ગૌતમ ગંભીરના સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને લાંબા અનુભવને ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ગણાવતા શાહે તેને વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટીમના કોચ માટે યોગ્ય પસંદગી ગણાવી હતી અને તેને BCCI તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી પણ આપી હતી.

રાહુલ દ્રવિડ નવેમ્બર 2021માં ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હતા અને તેમને 2 વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો હતો. દ્રવિડનો સમય ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ સાથે સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ તેમ છતાં, BCCIએ તેને T20 વર્લ્ડ કપ સુધી એક્સટેન્શન આપ્યું હતું. જોકે, ગંભીરને શરૂઆતથી જ લાંબો કાર્યકાળ મળશે. જ્યારે બીસીસીઆઈએ મે મહિનામાં નવા મુખ્ય કોચ માટે જાહેરાત બહાર પાડી ત્યારે તેણે સ્પષ્ટ કર્યું હતું કે નવા કોચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2027 સુધી એટલે કે સાડા ત્રણ વર્ષનો રહેશે.