ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું 59 વયે નિધન

નવી દિલ્હીઃ ટીવીથી બોલીવૂડ સુધી પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનાર એક્ટર ઋતુરાજ સિંહનું નિધન થયું છે. તેમનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેઓ 59 વર્ષના હતા. તેઓ તાજેતરમાં ‘અનુપમા’માં અનુજના બાયોલોજિકલ પિતા અને કેફેના માલિકની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. તેમના નિધનના સમાચાર તેમના ચાહકો અને અનુયાયીઓ માટે આઘાત સમાન છે. ઋતુરાજ સ્વાદુપિંડની કોઈ બિમારીથી પીડિત હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.

એક્ટરે ‘અપની બાત’, ‘જ્યોતિ’, ‘હિટલર દીદી’, ‘શપથ’, ‘વોરિયર હાઇ’, ‘આહટ’, ‘અદાલત’ અને ‘દિયા ઔર બાતી’ જેવા શોઝમાં નજરે ચઢ્યા હતા. તેમના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. તે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના શો ‘અનુપમા’માં જોવા મળ્યો હતો. તે ‘આશિકી’, ‘મેરી આવાઝ હી પહેચાન હૈ’, ‘તડપ’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ‘સત્યમેવ જયતે’ જેવી અન્ય ફિલ્મોનો પણ ભાગ હતા.

ઋતુરાજ સિંહે માત્રા TVમાં જ નહીં બલકે ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તેઓ દરેક ભૂમિકા સહજતાથી ભજવતા હતા. તેઓ ફેન્સના હ્દયમાં હંમેશાં જીવતા રહેશે.

નેટિઝન્સ અને તેમના નજીકના મિત્રોએ ઋતુરાજ સિંહ આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. ઋતુરાજના નજીકના મિત્ર અમિત બહેલે આ સમાચારની પુષ્ટિ કરી છે અને તેમના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે ઋતુરાજને સ્વાદુપિંડની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ઘરે પરત ફર્યા ત્યારે તેમને હૃદય સંબંધી કેટલીક તકલીફો હતી.