મુંબઈ – હિન્દી અને મરાઠી ફિલ્મોનાં રસિયાઓએ આજે એમની માનીતી અને ટેલેન્ટેડ અભિનેત્રી સ્મિતા પાટીલને એમની 33મી પુણ્યતિથિએ યાદ કર્યાં છે, એમને શ્રદ્ધાંજલિ આપી છે.
બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને એક ફિલ્મફેર એવોર્ડ જીતનાર સ્મિતા પાટીલ પ્રસૂતિ થયા બાદ અને પુત્ર (પ્રતીક બબ્બર)ને જન્મ આપ્યા બાદ વાયરલ ઈન્ફેક્શન થવાને કારણે 1986ની 13 ડિસેંબરે માત્ર 31 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કરી ગયાં હતાં.
સ્મિતા પાટીલે એમની દાયકા લાંબી કારકિર્દી દરમિયાન 80થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
સ્મિતાનો જન્મ 1955ની 17 ઓક્ટોબરે થયો હતો.
એમનાં પિતા શિવાજીરાવ પાટીલ મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન હતા જ્યારે એમનાં માતા સમાજસેવિકા હતાં.
સ્મિતા અભિનીત 14 ફિલ્મો એમનાં નિધન બાદ રિલીઝ થઈ હતી.
સ્મિતા જ્યારે મુંબઈ દૂરદર્શન ચેનલ પર મરાઠી ન્યૂઝ રીડર તરીકે કામ કરતાં હતાં ત્યારે એમની મુલાકાત જાણીતા નિર્માતા-દિગ્દર્શક શ્યામ બેનેગલ સાથે થઈ હતી.
એમણે સ્મિતાની અભિનય પ્રતિભાને ઓળખી લીધી હતી અને એમને પોતાની ફિલ્મ ‘ચરણદાસ ચોર’માં એક નાનકડી ભૂમિકા આપી હતી.
80ના દાયકાના આરંભમાં એમણે કમર્શિયલ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સરસ ફોટોગ્રાફર પણ હતાં.
મહાનાયક અમિતાભ બચ્ચન સાથે એમણે ‘નમક હલાલ’ અને ‘શક્તિ’માં અભિનય કર્યો હતો. એ બંને ફિલ્મ સુપરહિટ રહી હતી.
સહ-અભિનેતા રાજ બબ્બર સાથે એમણે લગ્ન કર્યાં હતાં. બંનેએ ‘આજ કી આવાઝ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. બંને વચ્ચે અફેર હતું અને એમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પણ સ્મિતાનાં માતાને એ સંબંધ પસંદ નહોતો. બંનેએ લગ્ન કર્યાં હતા અને એમને પ્રતીક બબ્બર નામે પુત્ર છે, જે બોલીવૂડમાં એક્ટર છે. પ્રતીકના જન્મના બે સપ્તાહ બાદ સ્મિતાનું નિધન થયું હતું.
સ્મિતા પાટીલની અમુક જાણીતી ફિલ્મો છેઃ નિશાંત, ચક્ર, આક્રોશ, મંથન, અર્ધસત્ય, ભૂમિકા, ગમન, આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ, મિર્ચ મસાલા, શક્તિ, નમક હલાલ, અનોખા રિશ્તા.
‘ભૂમિકા’ અને ‘ચક્ર’ ફિલ્મોની ભૂમિકા માટે એમને રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો.