નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન કહેવાતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. હવે સચિન ટ્વીટર પર માસ્ટર સ્ટ્રોક રમતો જોવા મળે છે. ક્રિકેટના આ મહાનાયકે બોલીવુડના મહાનાયકને પોતાના અંદાજમાં શુભેચ્છા આપી છે.
સચિને ટ્વીટમાં અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ અગ્નિપથનો ડાયલોગ લખ્યો. ફિલ્મ અગ્નિપથનો આ ડાયલોગ સચિનના ફેવરિટ ડાયલોગમાં સામેલ છે. માસ્ટર બ્લાસ્ટરે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘વિજય દીનાનાથ ચૌહાણ, પૂરુ નામ. બાપનું નામ દીનાનાથ ચૌહાણ, માતાનું નામ સુહાસિની ચૌહાણ, ગામ માંડવા, ઉંમર 36…’ આ એક એવી લાઇન છે, જે આજે પણ મારા રુવાડાં ઉભા કરી દે છે. અમિત જી તમે વિશ્વભરના લોકોના આમ જ દિલ જીતતા રહ્યા. સચિને હેશ ટેગ #DadaSahebPhalkeAward” લખીને આગળ લખ્યું, ‘પાત્ર અનેક પરંતુ શહેનશાહ બસ એક.’
મંગળવારે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી આ એવોર્ડની જાહેરાત કરી હતી. આ એવોર્ડ માટે અમિતાભ બચ્ચનનું નામ પસંદ કરવામાં આવ્યું છે. પ્રકાશ જાવડેકરે લખ્યું, ‘ધ લેજન્ડ અમિતાભ બચ્ચન, જેમણે બે પેઢીઓનું મનોરંજન કર્યુ અને પ્રેરણા આપી તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદ કરાયા છે. સમગ્ર દેશ ખુશ છે, મારા તરફથી સહ્રદય શુભકામનાઓ’. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ પોસ્ટમાં બચ્ચનની સાથે સાથે વડાપ્રધાન મોદીને પણ ટેગ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સિનામામાં પોતાની મહત્વની છાપ છોડનાર દેશના મહાન પ્રોડ્યૂસર, ડાયરેક્ટર અને સ્ક્રીન રાઇટર દાદા સાહેબ ફાળકેના સન્માનમાં ભારત સરકારે 1969મા ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ આપવાનું શરૂ કર્યું હતું. આ ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. સૌથી પહેલા આ પુરસ્કાર મેળવનાર દેવિકા રાની ચૌધરી હતા. 1971મા ભારતીય પોસ્ટે દાદા સાહેબ ફાળકેના સન્માનમાં એક પોસ્ટ ટિકિટ જારી કરી હતી. તેના પર તેમનું ચિત્ર હતું.