મુંબઈ – પોતે લોકસભાની ચૂંટણી લડવાનો છે એવી અફવાઓનું બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને આજે ખંડન કર્યું છે. એણે કહ્યું છે કે રાજકારણમાં પડવાનો એનો કોઈ પ્લાન નથી અને એ કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણીપ્રચાર પણ કરવાનો નથી.
સલમાને આ સ્પષ્ટતા ટ્વિટર મારફત કરી છે.
એક ટ્વીટમાં એણે લખ્યું છે કે અફવાઓથી વિપરીત, હું ચૂંટણી લડવાનો નથી અને કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણીપ્રચાર પણ કરવાનો નથી.
અગાઉ એવી અફવા હતી કે મધ્ય પ્રદેશ કોંગ્રેસ ઈન્દોર શહેરમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે સલમાનનો સાથ લેવા વિચારે છે. ઉલ્લેખનીય છે કે સલમાનનો જન્મ ઈન્દોરમાં જ થયો હતો.
કોંગ્રેસનાં પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ એમ કહ્યું હતું કે ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે કોંગ્રેસના નેતાઓ સલમાન ખાનના સંપર્કમાં છે અને સલમાન કોંગ્રેસ માટે પ્રચાર કરશે એ લગભગ નિશ્ચિત છે. કારણ કે સલમાનનું બાળપણ ઈન્દોરમાં વિત્યું હતું. એનાં દાદા ઈન્દોરમાં સિનિયર પોલીસ અધિકારી હતા.
ઈન્દોર મધ્ય પ્રદેશ રાજ્યનું સૌથી મોટું શહેર છે અને અહીંયા કોંગ્રેસ પાર્ટી 1989 પછી જીતી શકી નથી. ભાજપનાં સિનિયર નેતા અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન અહીંથી સતત જીતતાં આવ્યાં છે. એ આઠ વખતથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. છેલ્લે એમણે કોંગ્રેસના પ્રકાશચંદ્ર સેઠીને હરાવ્યાં હતાં, જે કોંગ્રેસના મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન છે.
ઉલ્લેખનીય છે કે 2009માં, સલમાન ખાને ઈન્દોરમાં મહાનગરપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો, પણ ભાજપના ઉમેદવાર સામે એ હારી ગયા હતા.
પ્રશંસકોને આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલનો સલમાન ખાને પ્રતિસાદ આપ્યો છે. એણે ટ્વીટ કરીને નાગરિકોને અપીલ કરી છે કે સહુ લોકસભા ચૂંટણી વખતે વોટિંગ કરજો. આપણો દેશ લોકતાંત્રિક છે અને મતદાન કરવું એ દરેક ભારતીયનો અધિકાર છે. હું દરેક ભારતીય મતદારને વિનંતી કરું છું કે તેઓ એમનો મતાધિકાર હાંસલ કરે અને સરકાર બનાવવામાં યોગદાન આપે.
httpss://twitter.com/BeingSalmanKhan/status/1108662305921871872
httpss://twitter.com/BeingSalmanKhan/status/1108586540492570624