ભારતને મળ્યા બે ઓસ્કર; વડા પ્રધાને ઈતિહાસસર્જકોને આપ્યા અભિનંદન

લોસ એન્જેલીસઃ ભારતે આખરે ઓસ્કર એવોર્ડ્સમાં બાજી મારી છે. ભારતના કલાકાર-કસબીઓએ ઈતિહાસ સર્જ્યો છે. ભારતને બે ઓસ્કર એવોર્ડ પ્રાપ્ત થયા છે.

અહીંના ડોલ્બી થિયેટરમાં આયોજિત 95મા એકેડેમી એવોર્ડ્સ સમારોહમાં એસ.એસ. રાજામૌલી દિગ્દર્શિત તેલુગુ ફિલ્મ ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીતને આપવામાં આવ્યો છે ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’નો ઓસ્કર એવોર્ડ. આખી દુનિયા બોલી રહી છે ‘નાટુ નાટુ.’

ભારતની શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ને પણ ઓસ્કર એવોર્ડ મળ્યો છે. તેણે બેસ્ટ ડોક્યૂમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે.

રામચરણ અને જૂનિયર એન.ટી. રામારાવ અભિનેતાઓ પર ફિલ્માવાયેલા ‘નાટુ નાટુ’ ગીતે વિખ્યાત પોપગાયિકા રિહાનાનાં ગીત ‘લિફ્ટ મી અપ’, લેડી ગાગાનાં ‘હોલ્ડ માય હેન્ડ’, રાયન લોટ્સના ‘ધિસ ઈઝ અ લાઈફ’ અને ડાયન વોરનનાં ગીત ‘અપ્લોઝ’ને પરાસ્ત કરીને એવોર્ડ જીત્યો છે. ઓસ્કર માટે જેવું ‘નાટુ નાટુ’ નામ બોલાયું કે ‘RRR’ ટેબલ પર બેઠેલાંઓ આનંદથી ઝૂમી ઉઠ્યાં હતાં. દર્શકગણે પણ તાળીઓના ગડગડાટ વડે જાહેરાતને વધાવી લીધી હતી.

ટેબલ પર રાજામૌલી, રામચરણ, જૂનિયર એનટીઆર, સંગીતકાર એમ.એમ. કિરવાની, નાટુ નાટુના ગાયકો રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવા તથા ગીતકાર ચંદ્રબોઝ ઉપસ્થિત હતાં. સ્ટેજ પર જઈને કિરવાની અને ચંદ્રબોઝે એવોર્ડ સ્વીકાર્યો હતો. એવોર્ડ કાર્યક્રમમાં ગાયકોએ નાટુ નાટુનો લાઈવ પરફોર્મન્સ પણ પ્રસ્તુત કર્યો હતો. દર્શકોએ તેને તાળીઓના ગડગડાટથી બિરદાવ્યો હતો.

‘RRR’ ફિલ્મમાં રામચરણ અને જૂનિયર એનટીઆર ઉપરાંત આલિયા ભટ્ટ, અજય દેવગન, શ્રિયા સરન, રે સ્ટીવન્સન, એલિસન ડૂડી અને ઓલિવિયા મોરીસ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 1920ના દાયકાના સમયગાળા પર આધારિત છે. ફિલ્મમાં બે ભારતીય મિત્રોની વાર્તા છે જેઓ બ્રિટિશ શાસન સામે જંગે ચડતા પહેલાં ગુમનામીમાં ચાલ્યા જવાનું પસંદ છે.

‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’

આ વર્ષના એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ શોર્ટફિલ્મ (વૃત્તિચિત્ર)નો એવોર્ડ ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ને પ્રાપ્ત થયો છે. કોઈ ભારતીય પ્રોડક્શન માટે આ પહેલો જ ઓસ્કર છે. પેડ્રો પેસ્કલ દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને નિર્દેશિકા કાર્તિકી ગોન્સાલ્વીઝ નિર્માત્રી ગુનીત મોંગાએ તે સ્વીકાર્યો હતો. એમનાં કાર્યને માન્યતા આપવા બદલ બંનેએ એકેડેમી એવોર્ડ્સનો આભાર માન્યો હતો.

નિર્દેશિકા તરીકે કાર્તિકીની આ પહેલી જ ફિલ્મ છે. આ ફિલ્મ એક દંપતી અને અનાથ થઈ ગયેલા હાથીના એક બચ્ચા વચ્ચે લાગણીના અતૂટ બંધનને લગતી છે. તામિલનાડુના મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં વસતું એક દંપતી હાથીનો કેવો સરસ રીતે ઉછેર કરે છે તેના વિશે આ ફિલ્મમાં વાર્તા છે.

આ નેટફ્લિક્સની 41 મિનિટની ડોક્યૂમેન્ટ્રી છે. આ ફિલ્મે ચાર ફિલ્મોને પાછળ પાડી દઈને એવોર્ડ જીત્યો છે.

વડા પ્રધાન મોદીના અભિનંદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી આરઆરઆર તથા ધ એલિફન્ટ વ્હિસ્પરર્સની ટીમને અભિનંદન આપ્યા છે.

https://twitter.com/narendramodi/status/1635133185603538945

https://twitter.com/narendramodi/status/1635132805628956674