મુંબઈ – આમિર ખાન અને કરીના કપૂર-ખાન આવતી 1 નવેંબરથી પંજાબમાં એમની નવી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કરશે. આ શૂટિંગ અમૃતસર, લુધિયાણા અને જલંધર શહેરોમાં તેમજ આસપાસના નગરો તથા ગામડાઓમાં યોજવામાં આવશે.
આ ફિલ્મ ઓસ્કર વિજેતા હોલીવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની દેશી આવૃત્તિ હશે. ‘ફોરેસ્ટ ગમ્પ’ 1994માં રિલીઝ થયેલી જેમાં ટોમ હેન્ક્સ અને રોબીન રાઈટની ભૂમિકા હતી.
કરીના અને આમિર ખાન ‘તલાશ’ અને ‘3 ઈડિયટ્સ’ બાદ ફરી મોટા પડદા પર સાથે જોવા મળશે.
શૂટિંગનો ઘણો ખરો ભાગ આ બંને કલાકારનાં યુવાન વયના કોલેજ દિવસોના દ્રશ્યો પર આધારિત હશે, જેમાં બંને જણ જણાવશે કે તેઓ કેવી રીતે એકબીજાને મળ્યા હતા, પ્રેમમાં પડ્યા હતા અને કેવી રીતે છૂટા પડ્યા હતા.
આમિર અને કરીનાનાં પાત્રો ત્રણ દાયકાને આવરી લેનાર સમયગાળા દરમિયાનના તથા વિવિધ લુક્સવાળા હશે.
‘લાલસિંહ ચઢ્ઢા’ની શિર્ષક ભૂમિકા માટે યુવાન વયના દેખાવા માટે આમિરે 20 કિલો વજન ઘટાડ્યું હોવાનો અહેવાલ છે.
આ ફિલ્મના દિગ્દર્શક છે અદ્વૈત ચંદન, જેમણે ‘સીક્રેટ સુપરસ્ટાર’ બનાવી હતી. ફિલ્મની પટકથા અતુલ કુલકર્ણીએ લખી છે.
ફિલ્મ 2020ના નાતાલ તહેવારમાં રિલીઝ થવાની ધારણા છે.