આજે બપોરે યોજાશે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો વિતરણ સમારંભ

નવી દિલ્હીઃ ગઈ 24 ઓગસ્ટે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનાં વિજેતાઓનાં નામોની જાહેરાત કરાયા બાદ આજે વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સમારંભ આજે બપોરે 1.30 વાગ્યાથી અહીં વિજ્ઞાન ભવન ખાતે યોજવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એવોર્ડ આપશે. આ સમારંભમાં હાજર રહેવા માટે વિજેતાઓ તથા બીજી ઘણી ફિલ્મી હસ્તીઓ દિલ્હી આવી પહોંચી છે.

આ વર્ષે શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો છે, ‘રોકેટ્રીઃ ધ નંબી ઈફેક્ટ’ ફિલ્મે, જેને તામિલ, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. સંપૂર્ણ મનોરંજન પ્રદાન કરનાર શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ તેલુગુ ફિલ્મ ‘RRR’ ને આપવામાં આવ્યો છે.

શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ નીખિલ મહાજનને મરાઠી ફિલ્મ ‘ગોદાવરી’ માટે આપવામાં આવ્યો છે.

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અલ્લૂ અર્જુનને આપવામાં આવ્યો છે તેલુગુ ફિલ્મ ‘પુષ્પા’માં કરેલા અભિનય બદલ.

બોલીવુડમાંથી, આલિયા ભટ્ટને ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં અને કૃતિ સેનનને ‘મિમી’ ફિલ્મમાં કરેલા અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને રાષ્ટ્રીય એકતા વિષય પર આધારિત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેના નરગિસ દત્ત એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ભાવિન રબારીએ શ્રેષ્ઠ બાળકલાકાર એવોર્ડ વિજેતા તરીકે ઘોષિત કરાયો છે.