ડૉ. વિક્રમ સારાભાઈની 104 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

12મી ઓગસ્ટ 2023ના રોજ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ. વિક્રમ સારાભાઈની 104મી જન્મજયંતિ નિમિત્તે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનએ પ્રતિષ્ઠિત વક્તાઓ દ્રારા “ડૉ. વિક્રમ સારાભાઈનો વારસો” કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એએમએની સ્થાપના ડૉ. વિક્રમ સારાભાઈએ 1956માં કરી હતી. આ પ્રસંગે ડૉ. પદ્મનાભ કે. જોષીએ “બીઈંગ એ ગ્રેટ હ્યુમન”ના સંદર્ભમાં વારસાને સંબોધતા જણાવ્યું હતું કે ડૉ. વિક્રમ સારાભાઈ અન્ય લોકો માટે કરુણા અનુભવતા ખૂબ જ પ્રેમાળ માનવી હતા. તેઓ એક એવાં અનોખા માનવી હતાં કે જે તેમનાં સંપર્કમાં આવતા તમામ લોકોનું દિલ જીતી લેતાં હતાં. તેઓ વ્યક્તિની ગરિમામાં વિશ્વાસ રાખતા હતાં અને તેને જાળવવાનો સખત પ્રયાસ કરતાં હતાં.

સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક ડૉ. નિલેશ એમ. દેસાઈએ “બીઈંગ એ લીજેન્ડરી સ્પેસ સાયન્ટીસ્ટ”ના સંદર્ભમાં વારસાને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈની દ્રષ્ટિએ આજના ISROમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૩ માટે આયોજિત ચંદ્રયાન-૩ સોફ્ટ લેન્ડિંગ પર ટૂંકમાં સંબોધન કર્યું હતું.

એએમએના પ્રમુખ શ્રી દિવ્યેશ રાડિયાએ “બીઈંગ એ ક્રિએટર ઓફ ગ્લોબલ ઇન્સ્ટીટ્યુશનસ” ના સંદર્ભમાં વારસાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ડૉ. સારાભાઈ એક મહાન સંસ્થા નિર્માતા હતા અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ, દર્પણ એકેડેમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં અનેક સંસ્થાઓની સ્થાપના કરી હતી અથવા સ્થાપનામાં મદદ કરી હતી. ડૉ. સારાભાઈ દ્વારા સ્થપાયેલી અને તેની દેખરેખ કરતી વિવિધ સંસ્થાઓએ તેમના પરસ્પર લાભ માટે એકબીજાના અનુભવ અને તકનીકોથી લાભ મેળવ્યો છે.

ગુજરાત સાયન્સ એકેડેમીના પ્રેસિડેન્ટ પ્રો. પંકજ એન. ગજ્જરે “બીઈંગ એ સાયન્સ એજ્યુકેટર”ના સંદર્ભમાં વારસાને સંબોધતા જણાવ્યું હતું કે સમુદાયના વિકાસ માટે ડો. વિક્રમ સારાભાઈની વિજ્ઞાન શિક્ષણની દ્રષ્ટિએ ભારતના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સંદેશાવ્યવહાર, હવામાનની આગાહી અને કુદરતી સંસાધનોની શોધ વગેરે થકી ડૉ. સારાભાઈએ સામાજિક અને આર્થિક વિકાસ પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણી માટે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રહેલી પ્રચંડ સંભાવનાઓને અનુભવી હતી.

નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટે કહ્યું હતું કે આપણે કેવી રીતે માનવતાની સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રસાર દ્રારા યુવા દિમાગને પોષી શકીએ અને ડૉ. વિક્રમ સારાભાઈના વારસાને ટકાવી શકીએ. કાર્યક્રમનું સંચાલન એએમએના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. સાવન ગોડિયાવાલાએ કર્યું હતું અને જણાવ્યું હતું કે એએમએ ડૉ. વિક્રમ સારાભાઈના વારસાને તેમના વિઝન અને મિશન દ્રારા આગળ ધપાવવા માટે કટીબધ્ધ છે. અસ્મિતા ગુર્જરી વતી શ્રી ભીખેશ ભટ્ટે જણાવ્યું હતું કે ડૉ. વિક્રમ સારાભાઈ ઊંડા સાંસ્કૃતિક રસ ધરાવતા હતા અને તેઓ સંગીત, ફોટોગ્રાફી, પુરાતત્વ, લલિત કલા વગેરેમાં ઊંડો રસ ધરાવતા હતા.